સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાની યોજના: સદ્ગુરુએ કહ્યું, યુવાનોમાં નફરત આપણી ઉછેરની નિષ્ફળતા

અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાની યોજના: સદ્ગુરુએ કહ્યું, યુવાનોમાં નફરત આપણી ઉછેરની નિષ્ફળતા

અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના પેલેટાઇન શહેરમાં આવેલા એક હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરા અંગે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આવી નફરતભરી વિચારસરણી સામે અવાજ ઉઠાવવો જરૂરી છે અને સમાજમાં સૌને સાથે લઈને ચાલવું જોઈએ.

સદ્ગુરુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, “જ્યારે કોઈ યુવાનનું મન નફરતથી એટલું ભરાઈ જાય કે તે પોતાનાથી અલગ લાગતા લોકોને મારવાની યોજના બનાવે, તો તે આગામી પેઢીના ઉછેરમાં આપણી સામૂહિક નિષ્ફળતા દર્શાવે છે.” તેમણે ઉમેર્યું કે, “આપણે સૌને સમાવી લેવાની ભાવના કેળવવી જોઈએ અને માનવતાવાદી વિચારસરણીનો વિસ્તાર કરવો જોઈએ. આ સંભવિત હુમલો સમયસર અટકાવવા બદલ અમે સુરક્ષાકર્મીઓના આભારી છીએ.”

સદ્ગુરુએ સમાચાર એજન્સીના અહેવાલને શેર કર્યો હતો, જેમાં ઘટનાની વિગતો જાણવા મળી છે. ઇલિનોઇસના પેલેટાઇન પોલીસ વિભાગે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબારની ધમકીઓની તપાસ બાદ એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ નામના 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

ગત 11 ઓક્ટોબરે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને એક નાગરિક તરફથી માહિતી મળી હતી કે તેને આરોપી એલેક્ઝાન્ડ્રોસ તરફથી ચિંતાજનક ઇલેક્ટ્રોનિક સંદેશા મળ્યા છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, પાપોરાકિસે એક દસ્તાવેજ શેર કર્યો હતો જેમાં હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબાર કરવાની વિસ્તૃત યોજના વર્ણવવામાં આવી હતી. તેણે રાઇફલ, રાઇફલ મેગેઝિન, બોડી આર્મર અને અન્ય ટેક્ટિકલ સાધનો સાથેની તસવીરો પણ મોકલી હતી. ત્યારબાદ પોલીસે પાપોરાકિસને તેના ઘરેથી બહાર નીકળતી વખતે કોર્ડન કરીને કસ્ટડીમાં લઈ લીધો હતો.