સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું ષડયંત્ર: ભારતે વ્યક્ત કરી ચિંતા, 19 વર્ષીય યુવકની ધરપકડ

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું ષડયંત્ર: ભારતે વ્યક્ત કરી ચિંતા, 19 વર્ષીય યુવકની ધરપકડ

અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા વિસ્તારમાં એક હિન્દુ મંદિર પર મોટા પાયે ગોળીબાર કરવાના ષડયંત્રના અહેવાલો સામે આવ્યા બાદ ભારતે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાને વંશીય ભેદભાવપૂર્ણ અને હિન્દુ વિરોધી ગણાવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે કહ્યું કે, “અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા વિસ્તારમાં આવેલા એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરીને મોટાપાયે ગોળીબાર કરવાનું ષડયંત્ર રચાયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે અમે ખૂબ જ ચિંતિત છીએ. આ કથિત ષડયંત્રમાં હિન્દુ વિરોધી, વંશીય ભેદભાવપૂર્ણ અને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા જેવી બાબતો પણ સામેલ છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.”

આ ઘટના મામલે અમેરિકામાં 19 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર ઇલિનોઇસના ઓરોરા વિસ્તારમાં એક હિન્દુ પૂજા સ્થળને કથિત રીતે ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

ભારતે અમેરિકામાં વધી રહેલી ભારત વિરોધી નફરત પર પણ ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ સમુદાયની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કરે છે.