સત્ય. સાહસ. સંકલ્પ.

ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, હરિયાણા ટોચ પર

ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, હરિયાણા ટોચ પર

ગેરકાયદેસર લિંગ પરીક્ષણના મામલામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં આવા 28 કેસ નોંધાયા છે, જ્યારે હરિયાણા 108 કેસ સાથે પ્રથમ સ્થાને છે.

આ યાદીમાં અન્ય રાજ્યોના આંકડા પણ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 11, તમિલનાડુમાં 10, દિલ્હીમાં 9, કર્ણાટકમાં 8, પંજાબમાં 3 અને મહારાષ્ટ્રમાં 1 કેસ નોંધાયો છે. બીજી તરફ કેરળ, આસામ, હિમાચલ પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, પુડુચેરી, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓડિસા, નાગાલેન્ડ, સિક્કિમ, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી.

કાયદા મુજબ ગર્ભસ્થ શિશુનું લિંગ જાહેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં અલ્ટ્રાસાઉન્ડ મશીનોનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કેટલાક તબીબો અને લેબ સંચાલકોને લાખો રૂપિયાની કમાણી માટે આ કાળો કારોબાર ચલાવતા હોવાની શંકા છે.

દેશમાં પીપીએનડીટી (PNDT) એક્ટ અમલમાં હોવા છતાં આંકડા ચિંતાજનક છે. સરકાર 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે કાયદાના અમલમાં પડકારો પણ દેખાઈ રહ્યા છે.

નિષ્ણાતોના મતે, ગેરકાયદેસર સોનોગ્રાફી સેન્ટરો પર કડક સર્વેલન્સ અને સમયાંતરે દરોડા પાડવામાં ન આવે તો રાજ્યમાં લિંગ પ્રમાણ ગંભીર રીતે ખોરવાઈ શકે છે. આ મામલો કાયદાના અમલીકરણ અને સામાજિક માનસિકતા બંને પર સવાલો ઊભા કરે છે.