સત્ય. સાહસ. સંકલ્પ.

IIT બોમ્બેમાં વિદ્યાર્થીની આત્મહત્યા બાદ હોસ્ટેલમાં સીલિંગ ફેન હટાવવાનો નિર્ણય, વૉલ-માઉન્ટેડ ફેન લગાવાયા

IIT બોમ્બેમાં વિદ્યાર્થીની આત્મહત્યા બાદ હોસ્ટેલમાં સીલિંગ ફેન હટાવવાનો નિર્ણય, વૉલ-માઉન્ટેડ ફેન લગાવાયા

IIT બોમ્બેના પવઈ કેમ્પસમાં B.Tech.ના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ હોસ્ટેલમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. શુક્રવારે હોસ્ટેલના રૂમમાંથી સાહિલનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. સાહિલ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાનો રહેવાસી હતો અને એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતો હતો.

આ ઘટના બાદ સંસ્થાએ હોસ્ટેલના રૂમોમાંથી સીલિંગ ફેન હટાવીને તેની જગ્યાએ વૉલ-માઉન્ટેડ ફેન લગાવવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેમ્પસની તમામ હોસ્ટેલ અને અન્ય જરૂરી જગ્યાઓએ આ પંખા લગાવવામાં આવી રહ્યા છે. આ પગલું વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે લેવામાં આવ્યું હોવાનું મનાય છે.

જોકે, NCP (SP)ના પ્રવક્તા અનીશ ગવંડેએ આ પગલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ફક્ત પંખા બદલવાથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની સમસ્યાનું સમાધાન થશે નહીં. તેમણે સવાલ કર્યો કે, 'શું IIT બોમ્બેને ખરેખર એવું લાગે છે કે, સીલિંગ ફેનની જગ્યાએ વૉલ-માઉન્ટેડ ફેન લગાવવાથી દેશભરની IITમાં આત્મહત્યાની સમસ્યા પૂરી થઈ જશે? છેલ્લા 20 વર્ષમાં IITમાં 117થી વધુ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે.' તેમણે માનસિક સ્વાસ્થ્ય માટે વધુ ધ્યાન આપવાની જરૂર જણાવી છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં એક વિદ્યાર્થીની આત્મહત્યા પછી સંસ્થાએ પંખા બદલવાની વાત કરી હતી, અને ગયા અઠવાડિયે સાહિલની આત્મહત્યા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હાલમાં કેમ્પસમાં વૉલ-માઉન્ટેડ ફેન લગાવવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.