સત્ય. સાહસ. સંકલ્પ.

મેમનગર હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ, ડૉક્ટરની ધરપકડ

મેમનગર હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ, ડૉક્ટરની ધરપકડ

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. IIMની એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે કે મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની તબિયત સંબંધિત તપાસ માટે હોસ્પિટલમાં ગઈ હતી. આ દરમિયાન ડૉક્ટરે દર્દીની સંમતિ વિના અયોગ્ય રીતે શારીરિક તપાસ કરી હોવાનો આરોપ ફરિયાદમાં જણાવવામાં આવ્યો છે.

ઘટના બાદ વિદ્યાર્થિનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ડૉ. વ્રજ પટેલ સામે છેડતી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

પોલીસે ધરપકડ બાદ ડૉ. વ્રજ પટેલને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન હોસ્પિટલમાં બનેલી ઘટનાની વિગતો તેમજ સંબંધિત પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને આરોપોની પુષ્ટિ થઈ શકશે.