સત્ય. સાહસ. સંકલ્પ.

IDBI બેંક વેચાણ પર વિવાદ: ગુજરાતના બેન્ક કર્મચારીઓનો વિરોધ

IDBI બેંક વેચાણ પર વિવાદ: ગુજરાતના બેન્ક કર્મચારીઓનો વિરોધ

કેન્દ્ર સરકારે IDBI બેંકને કેનેડાની કંપનીને 52,808 કરોડ રૂપિયામાં વેચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સામે દેશભરમાં બેન્ક કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ગુજરાતના બેન્ક કર્મચારી યુનિયને કાળી પટ્ટી બાંધીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે.

IDBI બેંકની સ્થાપના 1 જુલાઈ 1964માં સંસદમાં પસાર થયેલા કાયદા હેઠળ થઈ હતી. તેનો હેતુ ભારતના ઉદ્યોગોને વિકાસ માટે નાણાં આપવાનો હતો. 1976માં આ બેંક સીધી સરકારની માલિકીની થઈ. આ બેંકમાં દેશવાસીઓની 3,50,000 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. આટલી મોટી નફાકારક બેંકને વિદેશી હાથમાં સોંપવાના નિર્ણય સામે કર્મચારીઓએ વિરોધ કર્યો છે.

ગુજરાતના બેન્ક કર્મચારી યુનિયને જણાવ્યું કે 14 ઓક્ટોબર 2026ના રોજ થયેલી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની બેઠકમાં આઈડીબીઆઈને માત્ર 53 હજાર કરોડ રૂપિયામાં વેચવાનો નિર્ણય લેવાયો હતો. જનતાના પૈસે ઉભી કરાયેલી બેંક હવે ખાનગી હાથોમાં જશે. યુનિયને આરોપ લગાવ્યો કે આ સરકારે 70 વર્ષમાં પ્રજાના પૈસે નિર્માણ થયેલી સંપતિનું નિલામ કર્યું છે. અગાઉ એર ઈન્ડિયાને માત્ર 18 હજાર કરોડ રૂપિયામાં ખાનગીકરણ કરાયું હતું, જે દેશ માટે મોટો ખોટો સોદો હતો.

કેનેડાની કંપની ફેરફેક્સ ફાયનાન્શિયલ હોલ્ડિંગ્ઝની પેટા કંપની કેનેડા ઇન્ક.ને આ બેંક 52,808 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. આ બેંકે છેલ્લા ત્રણ વર્ષમાં અનુક્રમે 5,600 કરોડ, 7,500 કરોડ અને 9,500 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. આ બેંકમાં સરકાર પાસે 45.47 ટકા અને એલઆઈસી પાસે 49.24 ટકા સહિત કુલ 94.72 ટકા હિસ્સો હતો, જે હવે ઘટીને માત્ર 15 ટકા રહેશે. વિદેશી કંપનીનો બેંક પર 60.72 ટકા કબજો રહેશે.

કર્મચારી સંગઠને જણાવ્યું કે આ સોદો માત્ર બેંકનું ખાનગીકરણ નથી, પરંતુ વિદેશીકરણ છે. આત્મનિર્ભરતાની વાતોથી વિપરીત આ નિર્ણય છે. સરકાર દેશમાં નફો કરતી અને અર્થતંત્ર માટે મહત્વની બેંકોને વિદેશી રોકાણકારોને આપી દેવા માંગે છે અને જાહેર ક્ષેત્રની બેંકોને નબળી પાડવાનો વ્યૂહ છે.

ઉલ્લેખનીય છે કે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ શાસનકાળમાં 19 જુલાઈ 1969ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત 14 મોટી બેંકો અને 15 એપ્રિલ 1980ના રોજ વધુ 6 બેંકો સહિત કુલ 20 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ દેશના ગ્રામ્ય વિસ્તારના ગરીબોને બેંકિંગ સેવાઓનો લાભ પહોંચાડવાનો હતો. જોકે, એનડીએ શાસનમાં 12 બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે.