કેન્દ્રીય કેબિનેટે બુધવારે IDBI બેંકના ખાનગીકરણને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે સરકારી માલિકીની આ બેંક કેનેડાની નાણાકીય સેવા કંપની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની પેટાકંપનીના હાથમાં જશે. સોદાની કિંમત અંદાજે 52,878.08 કરોડ રૂપિયા નક્કી થઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ આ નિર્ણય લીધો છે. આ સોદામાં ભારત સરકાર પોતાનો 30.48% હિસ્સો અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) પોતાનો 30.24% હિસ્સો વેચશે. એટલે કે બેંકનો કુલ 60.72% હિસ્સો કેનેડિયન કંપનીને વેચાશે.
જોકે, આ વેચાણ બાદ પણ સરકાર અને LIC બેંકમાંથી સંપૂર્ણપણે બહાર નહીં નીકળે. સોદા બાદ સરકારનો 15% અને LICનો 19% હિસ્સો જળવાઈ રહેશે, જેનો સંયુક્ત હિસ્સો 34% જેટલો થાય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, આ ડીલ પૂરી થયા બાદ તે ભારતના નાણાકીય ક્ષેત્રમાં આવનારું સૌથી મોટું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) બનશે.
IDBI બેંકના વેચાણની પ્રક્રિયા 2022માં જ સરકારે સત્તાવાર રીતે જાહેર કરી હતી. આ માટે બે તબક્કાની બોલી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના પર ડિસઇન્વેસ્ટમેન્ટ અંગેના સચિવોના મુખ્ય જૂથ અને કેબિનેટ મંત્રીઓના સશક્ત જૂથ સહિતની સંસ્થાઓ દેખરેખ રાખી રહી હતી. કેટલાક નિયમનકારી અને પ્રક્રિયાગત અવરોધોને કારણે વિલંબ થયો હતો. ગત માર્ચમાં આવેલી બોલીઓ સરકારની અપેક્ષા મુજબની ન હોવાથી પ્રક્રિયા થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે તમામ અવરોધો દૂર થતાં કેબિનેટે ફેરફેક્સને વ્યૂહાત્મક ખરીદદાર તરીકે અંતિમ મંજૂરી આપી છે.
કેબિનેટની મંજૂરીના સમાચાર વહેતા થાય તે પહેલાં જ શેરબજારમાં IDBI બેંકના શેરમાં તેજી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે શેરમાં 13%નો ઉછાળો નોંધાયો હતો. વર્તમાન ટ્રેડિંગ સત્રમાં શેર અગાઉના 82.92 રૂપિયાના બંધ ભાવ સામે ઇન્ટ્રાડે 93.62 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. દિવસના અંતે શેર 8.33%ના વધારા સાથે 89.85 રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. 17 ઓક્ટોબરે જાહેર થનારા બેંકના બીજા ક્વાર્ટરના પરિણામોની અપેક્ષાએ પણ આ તેજી જોવા મળી હોવાનું મનાય છે.