કેન્દ્રીય કેબિનેટે IDBI બેંકમાં સરકાર અને LICની 60.72% હિસ્સેદારી કેનેડાની Fairfax Financial Holdingsની સબસિડિયરી કંપનીને રૂ. 52,878.08 કરોડમાં વેચવા મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ બુધવારે આ સોદાને લીલી ઝંડી આપી.
આ સોદામાં IDBI બેંકમાં સરકારની 30.48% હિસ્સેદારી અને LICની 30.24% હિસ્સેદારીનું વેચાણ સામેલ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ડીલ પૂર્ણ થયા બાદ તે ભારતના નાણાકીય ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું સીધું વિદેશી રોકાણ (FDI) બની જશે.
હિસ્સેદારીના વેચાણ પછી પણ સરકાર બેંકમાં 15% હિસ્સેદારી જાળવી રાખશે, જ્યારે LIC પાસે 19% હિસ્સેદારી રહેશે. એટલે કે બંનેની સંયુક્ત હિસ્સેદારી 34% રહેશે.
IDBI બેંકના વેચાણની પ્રક્રિયાની જાહેરાત સૌપ્રથમ 2022માં કરવામાં આવી હતી, પરંતુ નિયમનકારી અને પ્રક્રિયાગત અડચણોના કારણે તેમાં વિલંબ થયો હતો. માર્ચમાં તેને રોકી દેવામાં આવી હતી, પરંતુ હવે તમામ મંજૂરીઓ મળ્યા બાદ કેબિનેટે આખરી મહોર લગાવી દીધી છે.
કેબિનેટની મંજૂરીના સમાચાર બહાર આવતાની સાથે જ શેરબજારમાં IDBI બેંક લિમિટેડના શેરમાં 13%નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. શેર ઇન્ટ્રા-ડે દરમિયાન રૂ. 93.62ની સપાટીએ પહોંચ્યા બાદ અંતે 8.33%ના વધારા સાથે રૂ. 89.85 પર બંધ થયો હતો.