સત્ય. સાહસ. સંકલ્પ.

IDBI બેંકના વેચાણ સામે કર્મચારીઓની 3 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળ, RBIને ફેરફેક્સ ડીલ રોકવાની માગ

IDBI બેંકના વેચાણ સામે કર્મચારીઓની 3 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળ, RBIને ફેરફેક્સ ડીલ રોકવાની માગ

IDBI બેંકને ખાનગીકરણ કરીને કેનેડાની કંપની ફેરફેક્સને વેચવાના વિરોધમાં બેંકના કર્મચારીઓ અને અધિકારીઓએ વિરોધ તેજ કર્યો છે. કર્મચારી યુનિયનોએ 3 ડિસેમ્બરે દેશભરમાં હડતાળ કરવાની જાહેરાત કરી છે. કર્મચારીઓના સંગઠન (UFIOE)એ RBIના ગવર્નર સંજય મલ્હોત્રાને પત્ર લખીને આ સોદો રોકવાની માગ કરી છે. યુનિયન ઇચ્છે છે કે જ્યાં સુધી આ સમગ્ર સોદાની સ્વતંત્ર તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી RBI વિદેશી કંપનીને બેંકની માલિકી અને નિયંત્રણ સોંપવાની મંજૂરી ન આપે.

યુનિયનોએ કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC)ને આ પ્રસ્તાવિત વેચાણ તાત્કાલિક પાછું ખેંચવાની માગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે IDBI બેંક એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેને કોઈ વિદેશી કંપનીના હાથમાં સોંપવી જોઈએ નહીં. આ જ મહિનાની શરૂઆતમાં પણ બેંક કર્મચારીઓએ બહુમતી હિસ્સેદારી વેચવાના વિરોધમાં બે દિવસની દેશવ્યાપી હડતાળ કરી હતી. યુનિયનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ એક દિવસથી વધુ સમયની હડતાળ કરશે અને કોઈપણ વધારાની નોટિસ આપ્યા વિના અનિશ્ચિતકાલીન હડતાળ પર પણ જઈ શકે છે.

UFIOEએ RBI ગવર્નરને મોકલેલા પત્રમાં આ અધિગ્રહણ સાથે જોડાયેલા અનેક નાણાકીય પાસાઓ પર સવાલ ઉઠાવ્યા છે. ફોરમે માગ કરી છે કે ફેરફેક્સ આ ડીલ માટે નાણાં ક્યાંથી લાવી રહી છે, તેનો વાસ્તવિક માલિક કોણ છે અને તેમાં કેટલું દેવું સામેલ છે, તેની સંપૂર્ણ તપાસ અને ખુલાસો કરવામાં આવે. તેમજ એક કડક નિયમ બનાવવામાં આવે કે આ અધિગ્રહણના ભંડોળ અથવા મદદ માટે IDBI બેંકની થાપણ મૂડી, સંપત્તિઓ, મૂડી અથવા ભવિષ્યના રોકડ પ્રવાહનો કોઈપણ સંજોગોમાં ઉપયોગ ન થાય.

યુનિયનોએ આ વાત પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે ખરીદદાર જૂથ (ફેરફેક્સ)નું પહેલેથી જ ભારતની ખાનગી ક્ષેત્રની CSB બેંક પર નિયંત્રણ છે. કર્મચારીઓનું માનવું છે કે એક જ જૂથ પાસે બે બેંકોનું નિયંત્રણ હોવાને કારણે બજારમાં એકાધિકાર, હિતોના ટકરાવ અને પરસ્પર લેવડદેવડનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત, કર્મચારીઓએ થાપણદારો અને સ્ટાફના હિતોની સુરક્ષાની પણ માગ કરી છે. તેમાં નોકરીની શરતો, નિવૃત્તિના લાભો, અનામતના નિયમો, બેંકની શાખાઓ સુધી સામાન્ય લોકોની પહોંચ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને ધિરાણ અને ટ્રેડ યુનિયનના અધિકારોની સુરક્ષાનો સમાવેશ થાય છે. ફોરમે RBIને અપીલ કરી છે કે તે સરકાર અને LICને સલાહ આપે કે આ વિનિવેશને અટકાવીને IDBI બેંકને સરકારી માલિકી હેઠળ જ રાખવામાં આવે.

હાલમાં IDBI બેંકમાં કેન્દ્ર સરકારનો 45.48% અને LICનો 49.24% હિસ્સો છે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિ (CCEA)એ કેનેડાના અબજોપતિ પ્રેમ વત્સાના નેતૃત્વ હેઠળની ફેયરફેક્સની પેટાકંપની 'કૅનેડા ઇન્ક.'ને વ્યૂહાત્મક ખરીદદાર તરીકે મંજૂરી આપી છે. આ કરાર હેઠળ સરકાર અને LIC મળીને બેંકમાં પોતાની 60.72% હિસ્સેદારી વેચી રહ્યા છે. તેમાં સરકારની 30.48% અને LICની 30.24% હિસ્સેદારી સામેલ છે. આ સમગ્ર ડીલ ₹52,878 કરોડમાં નક્કી થઈ છે. ફેરફેક્સ આ માટે પ્રતિ શેર ₹81 ચૂકવશે, જે બેંકની બેન્ચમાર્ક ફેર વેલ્યૂ (પ્રતિ શેર ₹75.99) કરતાં વધુ છે. RBI અને અન્ય નિયમનકારોની મંજૂરી મળ્યા બાદ, આ ડીલ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.