સત્ય. સાહસ. સંકલ્પ.

ICC વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં, 10 ઑક્ટોબરે મહામુકાબલો

ICC વર્લ્ડ કપ 2027: ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં, 10 ઑક્ટોબરે મહામુકાબલો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી શરૂ થશે અને 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં ફાઇનલ સાથે સમાપ્ત થશે.

વિશ્વભરના ક્રિકેટ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવાર, 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગના ઐતિહાસિક મેદાન પર રમાશે.

ગ્રૂપ-Aમાં સ્થાન ધરાવતી ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ગુરુવાર, 7 ઑક્ટોબરે કેપ ટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે.

ભારતની ગ્રૂપ સ્ટેજની મેચો:

  • 7 ઑક્ટોબર (ગુરુવાર): ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, કેપ ટાઉન
  • 10 ઑક્ટોબર (રવિવાર): પાકિસ્તાન વિરુદ્ધ, જોહાનિસબર્ગ
  • 14 ઑક્ટોબર (ગુરુવાર): અફઘાનિસ્તાન વિરુદ્ધ, ત્શ્વાને
  • 17 ઑક્ટોબર (રવિવાર): ક્વોલિફાયર-A વિરુદ્ધ, બ્લોમફોન્ટેન
  • 24 ઑક્ટોબર (રવિવાર): ઝિમ્બાબ્વે વિરુદ્ધ, વિક્ટોરિયા ફોલ્સ

ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઑક્ટોબરે વિન્ડહોકમાં ક્વોલિફાયર મેચોથી થશે. ગ્રૂપ સ્ટેજ બાદ 25 ઑક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન સુપર સિક્સ અથવા બીજા રાઉન્ડની મેચો રમાશે.

સેમિફાઇનલ 1: બુધવાર, 17 નવેમ્બર, કેપ ટાઉન. સેમિફાઇનલ 2: ગુરુવાર, 18 નવેમ્બર, ત્શ્વાને. ગ્રાન્ડ ફાઇનલ: રવિવાર, 21 નવેમ્બર, જોહાનિસબર્ગ.

આ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, કેપ ટાઉન, ડરબન, બ્લોમફોન્ટેન, ગ્કેબરહા ઉપરાંત ઝિમ્બાબ્વેના હરારે, બુલાવાયો, વિક્ટોરિયા ફોલ્સ તેમજ નામિબિયાના વિન્ડહોક સહિતના સ્ટેડિયમ્સમાં રમાશે. 2027ના આ મહાકુંભમાં તમામ દિગ્ગજ ટીમો ટ્રોફી જીતવા માટે ટકરાશે.