આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ 2027નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટની ત્રીજી આવૃત્તિ આવતા વર્ષે 21 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. બાંગ્લાદેશ અને નેપાળ સંયુક્ત રીતે યજમાની કરશે. ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે.
ભારતીય અંડર-19 મહિલા ટીમ પોતાનો ખિતાબ જાળવી રાખવા ઉતરશે. ટીમ ઇન્ડિયા ગ્રુપ 'એ'માં છે, જેમાં આયર્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ અને નેપાળનો સમાવેશ થાય છે. ભારતની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ વેસ્ટઇન્ડીઝ સામે છે. પાકિસ્તાન ગ્રુપ 'બી'માં છે, જેમાં દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને સામોઆ પણ છે.
ગ્રુપ 'સી'માં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઇજીરિયા અને યુએઇ છે, જ્યારે ગ્રુપ 'ડી'માં ઇંગ્લેન્ડ, શ્રીલંકા, અમેરિકા અને સ્કોટલેન્ડ સામેલ છે. ટૂર્નામેન્ટના પહેલા દિવસે 21 જાન્યુઆરીએ 8 ટીમો વચ્ચે 4 મેચ રમાશે.
ICC દ્વારા જારી નિવેદનમાં સીઈઓ સંજોગ ગુપ્તાએ જણાવ્યું કે, અંડર-19 ટી20 વિશ્વ કપ મહિલા ક્રિકેટના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓને તેમના વય જૂથમાં સૌથી ઊંચા સ્તરે રમવાની અને વૈશ્વિક મંચ પર અનુભવ મેળવવાની તક આપે છે. બાંગ્લાદેશ અને નેપાળમાં 16 ટીમોને એકસાથે લાવીને આ ટૂર્નામેન્ટ મહિલા ક્રિકેટમાં પ્રતિભાની વધતી ઊંડાણ દર્શાવશે અને સ્થાપિત તથા ઉભરતા ક્રિકેટ દેશોની ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ દ્વારા આગળ વધવાની તકો પ્રદાન કરશે.