સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-પાકિસ્તાન ભિડંત માટે ICCનો નવો પ્લાન, ટ્રાઈ-સિરીઝની શક્યતા પર ચર્ચા

ભારત-પાકિસ્તાન ભિડંત માટે ICCનો નવો પ્લાન, ટ્રાઈ-સિરીઝની શક્યતા પર ચર્ચા

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ યોજાઈ નથી. બંને દેશોની ટીમો મોટાભાગે ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની ટૂર્નામેન્ટમાં જ આમને-સામને આવે છે. હવે એવા અહેવાલ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બંને ટીમોને સામેલ કરતી મલ્ટી-નેશન સિરીઝ યોજવાનું વિચારી રહ્યું છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, ICC 2027થી 2031 સુધીના ક્રિકેટ કાર્યક્રમ (FTP) અંગે 22 અને 23 સપ્ટેમ્બરે દુબઈમાં મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં 3 કે 4 દેશોની વ્હાઇટ-બોલ ટૂર્નામેન્ટના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત અન્ય એક કે બે દેશોને સામેલ કરીને ટ્રાઈ-સિરીઝ કે 4 દેશોની સ્પર્ધા યોજાય શકે છે. આ સ્પર્ધા માટે UAE, ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવા તટસ્થ સ્થળોની પસંદગી કરવામાં આવી શકે છે.

એ નોંધવું અગત્યનું છે કે આ તમામ માહિતી મીડિયા અહેવાલો પર આધારિત છે. ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આથી, દર વર્ષે ભારત-પાકિસ્તાન મેચ યોજાશે તેવું કહેવું અત્યારે વહેલું ગણાશે.