નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ 9 સપ્ટેમ્બરે ટી20 બેટિંગ રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ભારતીય બેટર ઈશાન કિશન 910 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે યુવા બેટર વૈભવ સૂર્યવંશીને બે સ્થાનનું નુકસાન થયું છે, જેના કારણે તે હવે 49મા સ્થાને પહોંચી ગયો છે.
ICC T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-5માં ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન 848 રેટિંગ સાથે બીજા ક્રમે છે. ભારતના અભિષેક શર્મા 819 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ 799 રેટિંગ સાથે ચોથા સ્થાને પહોંચ્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ 789 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.
યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો તેને સાતમી સપ્ટેમ્બરે જાહેર થયેલી રેન્કિંગમાં 47મા સ્થાનેથી સરકીને 49મા સ્થાને પહોંચી ગયો છે. આ ઘટાડો તેની ફોર્મના અભાવને કારણે નહીં, પરંતુ ભારતીય ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય ટી20 મેચ ન રમી રહી હોવાને કારણે થયો છે. રેન્કિંગમાં રનિંગ એવરેજ અને તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં લેવાય છે, તેથી મેચો ન રમવાથી ખેલાડીઓને નુકસાન થાય છે.
રેન્કિંગમાં સૌથી મોટી છલાંગ દક્ષિણ આફ્રિકાના લુઆન-ડ્રે પ્રિટોરિયસે લગાવી છે. તે 61 સ્થાન સુધારીને 44મા સ્થાને પહોંચી ગયો છે. નામિબિયા સામે તેણે 101 રનની ઈનિંગ રમી હતી, જ્યારે તેની અગાઉની મેચમાં તેણે 94 રન બનાવ્યા હતા. આ બંને ઈનિંગ્સના આધારે તેને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.