સત્ય. સાહસ. સંકલ્પ.

વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન મહામુકાબલો, 2 ઑક્ટોબરથી શરૂ

વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર: 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન મહામુકાબલો, 2 ઑક્ટોબરથી શરૂ

આઈસીસી (ICC)એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. કેપટાઉનમાં એક કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી. ટુર્નામેન્ટ 2 ઑક્ટોબર 2027થી શરૂ થશે અને ફાઇનલ 21 નવેમ્બરે રમાશે.

ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમશે. ત્યારબાદ 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થશે. બંને ટીમોને એક જ ગ્રૂપમાં રાખવામાં આવી છે.

ભારતની આગળની મેચો: 14 ઑક્ટોબરે સેન્ચુરિયનમાં અફઘાનિસ્તાન સામે, 17 ઑક્ટોબરે ક્વોલિફાયર-A ટીમ સામે અને 24 ઑક્ટોબરે ઝિમ્બાબ્વે સામે.

આ વખતે કુલ 57 મેચો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના 12 વેન્યુ પર રમાશે. દક્ષિણ આફ્રિકામાં 8, ઝિમ્બાબ્વેમાં 3 અને નામિબિયામાં 1 વેન્યુ પર મેચો યોજાશે. ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે.

ફોર્મેટ પ્રમાણે, શરૂઆતમાં બે ટીમો બહાર થશે. પછી 12 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-Aમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-A છે. ગ્રૂપ-Bમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર-B છે.

અત્યાર સુધી 10 ટીમોએ ક્વોલિફાય કર્યું છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આઈસીસી વનડે રેન્કિંગના આધારે સીધા ક્વોલિફાય થયા છે. યજમાન દેશ હોવાથી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. નામિબિયા સહ-યજમાન છે, પણ આઈસીસીનું પૂર્ણ સભ્ય ન હોવાથી તેને સીધી એન્ટ્રી મળી નથી. બાકીની ચાર ટીમો ક્વોલિફાયર રાઉન્ડ રમીને આવશે. વેસ્ટ ઈન્ડીઝ પણ ક્વોલિફાયર રાઉન્ડ રમશે.

ઉલ્લેખનીય છે કે 2023ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવીને છઠ્ઠી વખત ટ્રોફી જીતી હતી. 2003માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં પણ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

01 Oct 2026, 10:33 PM વનડે વર્લ્ડ કપ 2027નું શિડ્યૂલ જાહેર: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગમાં ટકરાશે