સત્ય. સાહસ. સંકલ્પ.

વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ આજે જાહેર થશે: 14 ટીમો, 57 મેચ, 12 સ્ટેડિયમ

વનડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ આજે જાહેર થશે: 14 ટીમો, 57 મેચ, 12 સ્ટેડિયમ

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2027નું સત્તાવાર શેડ્યૂલ આજે જાહેર થવાનું છે. આ ટૂર્નામેન્ટની યજમાની સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રીતે કરશે. શેડ્યૂલ જાહેર થતાં જ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને ચાહકો માટે ટિકિટ બેલેટનું રજિસ્ટ્રેશન પણ ખુલી જશે. ત્રણેય દેશોના કુલ 12 મેદાનો પર મેચોનું આયોજન થશે.

24 વર્ષ પછી આફ્રિકામાં વર્લ્ડ કપની વાપસી થઈ રહી છે. સાઉથ આફ્રિકાને 2003 પછી બીજી વખત વનડે વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળી છે. 2003માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યાએ સંયુક્ત રીતે આ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આઈસીસી ચેરમેન જય શાહે અગાઉ જણાવ્યું હતું કે 24 વર્ષ પછી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ આફ્રિકામાં પાછી ફરે તે ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ છે અને આ ત્રણેય દેશો યાદગાર ટૂર્નામેન્ટનું આયોજન કરીને ચાહકોને શ્રેષ્ઠ અનુભવ કરાવશે.

વર્લ્ડ કપ 2027માં કુલ 14 ટીમો ભાગ લેશે અને 57 મેચ રમાશે. યજમાન દેશ હોવાના કારણે સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સીધા ક્વોલિફાય થયા છે, જ્યારે રેન્કિંગમાં ટોચની 8 ટીમોએ પણ સ્થાન મેળવ્યું છે. બાકીની 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ રમીને મુખ્ય ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઑક્ટોબર 2027ના રોજ ગાંધી જયંતીના દિવસે થવાની શક્યતા છે.

આ વખતે વનડે વર્લ્ડ કપ માટે નવું ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. 14 ટીમોમાંથી સૌથી નીચી રેન્કિંગ ધરાવતી 3 ટીમો વચ્ચે પહેલા સુપર સિરીઝ રમાશે. ત્યારબાદ 6-6 ટીમોના બે ગ્રૂપ બનાવવામાં આવશે. ગ્રૂપ સ્ટેજ પછી સુપર 7 સ્ટેજ રમાશે અને ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ યોજાશે.

સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન 12 સ્ટેડિયમ પર મુકાબલા થશે. સાઉથ આફ્રિકાના 8 સ્ટેડિયમમાં જોહાનિસબર્ગ (વાન્ડરર્સ), સેન્ચુરિયન, કેપ ટાઉન (ન્યૂલેન્ડ્સ), ડર્બન (કિંગ્સમીડ), ગ્કેબરહા (સેન્ટ જ્યોર્જ પાર્ક), બ્લોમફોન્ટેન (મંગાઉંગ ઓવલ), પાર્લ (બોલેન્ડ પાર્ક) અને ઈસ્ટ લંડન (બફેલો પાર્ક)નો સમાવેશ થાય છે. ઝિમ્બાબ્વેના 3 મેદાનોમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો (ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ) અને વિક્ટોરિયા ફોલ્સ સ્થિત નવું આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનો સમાવેશ થાય છે, જ્યારે નામીબિયાના વિન્ડહોક સ્થિત નામીબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાશે.

ભારતની યજમાહીમાં યોજાયેલા 2023ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. અગાઉ 2003માં પણ સાઉથ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે થોડી જ વારમાં આઈસીસી સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે.