આઈસીસી (ICC) વન-ડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ 1 ઓક્ટોબરે જાહેર થશે. આ જાહેરાત સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં થશે. ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે. આ પહેલીવાર છે જ્યારે વર્લ્ડ કપમાં 14 ટીમ ભાગ લેશે અને કુલ 57 મેચ રમાશે. ટુર્નામેન્ટ 2 ઓક્ટોબર 2027થી 21 નવેમ્બર 2027 સુધી ચાલવાની શક્યતા છે. અહેવાલો અનુસાર, 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે વર્લ્ડ કપની શરૂઆત કરવાની યોજના છે.
આ પહેલાં 2003માં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ વર્લ્ડ કપની યજમાની કરી હતી. 2007માં સાઉથ આફ્રિકામાં યોજાયેલા વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. હવે 24 વર્ષ બાદ આફ્રિકામાં મેન્સ વન-ડે વર્લ્ડ કપની વાપસી થઈ રહી છે.
વર્લ્ડ કપમાં 14 ટીમને સ્થાન મળશે. તેમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન હોવાને કારણે સીધું સ્થાન મળ્યું છે. બાકીની 8 ટીમો 30 સપ્ટેમ્બર 2026ની આઈસીસી વન-ડે રેન્કિંગના આધારે સીધી ક્વોલિફાય થશે. બાકીની 4 ટીમો ક્વોલિફાયર ટુર્નામેન્ટમાંથી આવશે. 23 સપ્ટેમ્બરની રેન્કિંગ મુજબ ભારત પ્રથમ સ્થાને છે. તે પછી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ટોચના 10માં છે. સાઉથ આફ્રિકાને યજમાન તરીકે અલગથી સ્થાન મળતાં, રેન્કિંગમાં રહેલી બિન-યજમાન ટીમ માટે માર્ગ ખુલશે. હાલમાં ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સીધા ક્વોલિફિકેશનની સ્થિતિમાં છે. વેસ્ટ ઇન્ડીઝ 10મા સ્થાને છે અને તેને ક્વોલિફાયરના માર્ગે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું પડશે. ક્વોલિફિકેશનનું અંતિમ ચિત્ર 30 સપ્ટેમ્બરની કટઓફ બાદ સ્પષ્ટ થશે.
નામિબિયા યજમાન છે, પરંતુ તેનું સ્થાન નિશ્ચિત નથી. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા ત્રણેય યજમાન છે, પરંતુ યજમાન હોવા છતાં નામિબિયાને સીધી એન્ટ્રી મળી નથી. તેને ક્વોલિફિકેશન રૂટમાંથી પસાર થવું પડશે. એટલે કે પહેલીવાર એવું બની શકે છે કે કોઈ યજમાન દેશની ટીમ પોતાના જ દેશમાં યોજાનારા સિનિયર મેન્સ વર્લ્ડ કપમાં ભાગ ન લે. ક્વોલિફાયરમાં કુલ 10 ટીમ હશે. તેમાં વેસ્ટ ઇન્ડીઝ, આયર્લેન્ડ, ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ની ટોચની 4 ટીમ અને ક્વોલિફાયર પ્લેઑફની ટોચની 4 ટીમ સામેલ હશે. આ 10 ટીમમાંથી ટોચની 4 ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.
આઈસીસીએ 2027 વર્લ્ડ કપનું ફોર્મેટ પણ બદલી નાખ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે. તેમાં 14 ક્વોલિફાઇડ ટીમમાં રેન્કિંગના આધારે 12મા, 13મા અને 14મા સ્થાને રહેલી ત્રણ ટીમ રાઉન્ડ-રોબિન રમશે. આ ત્રણેયમાંથી ટોચ પર રહેતી ટીમ આગલા તબક્કામાં પહોંચશે. તે પછી 12 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં 6-6 ટીમ હશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમ સામે રમશે. આ તબક્કામાં 30 મેચ થશે. દરેક ગ્રુપની ટોચની 3 ટીમ ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમમાંથી વધુ સારો રેકોર્ડ ધરાવતી ટીમ પણ આગલા તબક્કામાં પહોંચશે. આ રીતે કુલ 7 ટીમ સુપર-7માં પહોંચશે. સુપર-7માં સાતેય ટીમ એકબીજા સામે રમશે. આ તબક્કામાં 21 મેચ થશે. પોઇન્ટ્સ ટેબલની ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સુપર-7માં નંબર-1 પર રહેનારી ટીમનો સામનો ચોથા ક્રમાંકની ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ બીજા સેમિફાઇનલમાં ટકરાશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ ફાઇનલ રમશે.
આઈસીસીએ વર્લ્ડ કપ માટે 12 સ્થળો નક્કી કર્યા છે. તેમાં 8 સાઉથ આફ્રિકામાં, 3 ઝિમ્બાબ્વેમાં અને 1 નામિબિયામાં છે. નામિબિયા પહેલીવાર મેન્સ સિનિયર વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. 2023 વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં યજમાન ભારતને 6 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું.