ભારતીય ફાસ્ટ બોલર ગુરનૂર બરારને ICCની તાજેતરની વનડે રેન્કિંગમાં 60 સ્થાનનો ફાયદો થયો છે. તેઓ બોલરોની રેન્કિંગમાં 48મા ક્રમે પહોંચી ગયા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝમાં ગુરનૂરે 3 મેચમાં 7 વિકેટ ઝડપી છે.
બેટર્સની રેન્કિંગમાં ભારતના ત્રણ ખેલાડીઓ ટોપ-4માં સામેલ છે. શુભમન ગિલ 822 રેટિંગ પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. તેમના ઉપરાંત વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા ક્રમે યથાવત છે.
બોલિંગ રેન્કિંગમાં અક્ષર પટેલને પણ ફાયદો થયો છે. તેઓ 23 સ્થાન ઉપર ચઢીને 21મા ક્રમે પહોંચી ગયા છે. અર્શદીપ સિંહ 11 સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત રીતે 31મા ક્રમે આવી ગયા છે.
અફઘાનિસ્તાનના ટેસ્ટ અને વનડે કેપ્ટન રહમત શાહ ICCની ટેસ્ટ બેટર્સની રેન્કિંગમાં 7મા ક્રમે પહોંચી ગયા છે. તેઓ ICCની પુરુષ ટેસ્ટ રેન્કિંગની કોઈપણ કેટેગરીના ટોપ-10માં સ્થાન મેળવનારા અફઘાનિસ્તાનના પ્રથમ ખેલાડી બન્યા છે. ઝિમ્બાબ્વે સામે શારજાહમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેમણે 173 રન બનાવ્યા હતા. આ તેમની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી હતી અને આ વર્ષે તેમની બીજી સદી હતી. આ પ્રદર્શનના આધારે તેમણે રેન્કિંગમાં 6 સ્થાનની છલાંગ લગાવી અને કારકિર્દીની શ્રેષ્ઠ રેટિંગ હાંસલ કરી. તેમણે ભારતીય કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડી દીધા.
ઝિમ્બાબ્વેના અનુભવી બેટર ક્રેગ અર્વિને પણ શારજાહ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે બીજી ઇનિંગ્સમાં અણનમ 206 રન બનાવ્યા. ત્યાર બાદ તેઓ ટેસ્ટ બેટરોની રેન્કિંગમાં 9 સ્થાન ઉપર ચઢીને 48મા ક્રમે પહોંચી ગયા.