સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂ ચંડીગઢ વનડેમાં સ્લો ઓવર-રેટ: ભારત પર 20% અને વેસ્ટ ઇન્ડિઝ પર 10% દંડ

ન્યૂ ચંડીગઢ વનડેમાં સ્લો ઓવર-રેટ: ભારત પર 20% અને વેસ્ટ ઇન્ડિઝ પર 10% દંડ

ન્યૂ ચંડીગઢમાં શનિવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી અને છેલ્લી વનડેમાં સ્લો ઓવર-રેટને કારણે આઈસીસીએ બંને ટીમો પર દંડ ફટકાર્યો છે. ભારતીય ખેલાડીઓની મેચ ફીના 20% અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓની મેચ ફીના 10% કાપવામાં આવશે. નિર્ધારિત સમયની છૂટ ધ્યાનમાં લીધા બાદ ભારત 4 ઓવર અને વેસ્ટ ઇન્ડિઝ 2 ઓવર પાછળ રહી હતી.

આઈસીસીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની આચારસંહિતાની કલમ 2.22 મુજબ, નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવા બદલ દરેક ઓછી પડેલી ઓવર માટે ખેલાડીઓની મેચ ફીના 5%નો દંડ ફટકારવામાં આવે છે. આ જ નિયમ હેઠળ ભારત પર 4 ઓવર ઓછી કરવા બદલ 20% અને વેસ્ટ ઇન્ડિઝ પર 2 ઓવર ઓછી કરવા બદલ 10%નો દંડ લગાવવામાં આવ્યો છે.

આઈસીસી ઇન્ટરનેશનલ પેનલ ઑફ મેચ રેફરીના પ્રકાશ ભટ્ટે બંને ટીમો પર દંડ ફટકાર્યો હતો. બંને કેપ્ટનોએ આરોપ સ્વીકારીને સૂચવવામાં આવેલી સજા માન્ય રાખી હતી, તેથી મામલે ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી.

સ્લો ઓવર-રેટના ચાર્જ મેદાન પરના અમ્પાયર જયરામન મદનગોપાલ અને સેમ નોગાજ્સ્કીએ લગાવ્યા હતા. થર્ડ અમ્પાયર શરાફુદ્દૌલા ઇબ્ને શાહિદ અને ચોથા અમ્પાયર વીરેન્દ્ર શર્મા પણ ચાર્જ લગાવવાની પ્રક્રિયામાં સામેલ હતા.

ન્યૂ ચંડીગઢમાં રમાયેલી ત્રીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 351 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે કેપ્ટન શાઈ હોપની અણનમ 162 રનની ઇનિંગ્સના દમ પર 48.2 ઓવરમાં 5 વિકેટે 352 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. જોકે, ભારતે પ્રથમ બે મેચ જીતીને 3 મેચોની વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી.