સત્ય. સાહસ. સંકલ્પ.

વનડે વર્લ્ડ કપ 2027નું શિડ્યૂલ જાહેર: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગમાં ટકરાશે

વનડે વર્લ્ડ કપ 2027નું શિડ્યૂલ જાહેર: ભારત-પાકિસ્તાન 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગમાં ટકરાશે

આઈસીસી (ICC)એ વનડે વર્લ્ડ કપ 2027નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કરી દીધું છે. ટૂર્નામેન્ટ 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ચાલશે. આ વખતે યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. વર્લ્ડ કપમાં પહેલીવાર 14 ટીમો ભાગ લેશે અને કુલ 57 મેચ રમાશે. મુકાબલા 12 સ્થળોએ યોજાશે.

ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-Aમાં એકસાથે રાખવામાં આવ્યા છે. બંને વચ્ચેનો મુકાબલો 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગમાં રમાશે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમો છે. છઠ્ઠી ટીમ ક્વોલિફાયર મુકાબલાઓમાંથી આવશે.

ગ્રુપ-Bમાં ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમો છે. અહીં પણ છઠ્ઠી ટીમ ક્વોલિફાયરમાંથી આવશે.

ભારત પોતાની પ્રથમ મેચ 7 ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કેપ ટાઉનમાં રમશે. 2023ની વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ત્યાર બાદ ટીમ 10 ઑક્ટોબરે પાકિસ્તાન સામે જોહાનિસબર્ગમાં રમશે.

આ ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન એક જ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત સામસામે આવી શકે છે. પ્રથમ મુકાબલો ગ્રુપ સ્ટેજમાં નક્કી થઈ ગયો છે. બીજો મુકાબલો સુપર-7માં થઈ શકે છે, જ્યાં બંને ટીમો પહોંચે તો બંને વચ્ચે ફરી ટક્કર થશે. ત્રીજો મુકાબલો સેમિફાઇનલ કે ફાઇનલમાં શક્ય છે, જો બંને ટીમો આ તબક્કે સામસામે આવે.

ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 મુકાબલા થયા છે. તેમાં ભારત 19 વખત જીત્યું છે, જ્યારે પાકિસ્તાનને 4 મેચમાં સફળતા મળી છે. વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો 8 વખત સામસામે આવી છે અને દરેક વખતે ભારત જ વિજેતા બન્યું છે.

આઈસીસીએ 2027 વર્લ્ડ કપનું ફોર્મેટ પણ બદલ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે. તેમાં 14 ક્વોલિફાઇડ ટીમોમાં રેન્કિંગના આધારે 12મા, 13મા અને 14મા સ્થાને રહેલી ત્રણ ટીમો રાઉન્ડ-રોબિન રમશે. આ ત્રણમાંથી ટોચ પર રહેતી ટીમ આગલા તબક્કામાં પહોંચશે.

ત્યાર બાદ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં 6 ટીમો હશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમો સામે રમશે. આ તબક્કામાં 30 મેચ થશે. દરેક ગ્રુપની ટોચની 3 ટીમો ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી વધુ સારો રેકોર્ડ ધરાવતી ટીમ પણ આગલા તબક્કામાં પહોંચશે.

આ રીતે કુલ 7 ટીમો સુપર-7માં પહોંચશે. સુપર-7માં સાતેય ટીમો એકબીજા સામે રમશે અને 21 મેચ થશે. પોઇન્ટ્સ ટેબલની ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સુપર-7માં નંબર-1 ટીમનો સામનો ચોથા ક્રમાંકની ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાનની ટીમો બીજી સેમિફાઇનલમાં ટકરાશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ ફાઇનલ રમશે.

આઈસીસીએ વર્લ્ડ કપ માટે 12 સ્થળો નક્કી કર્યા છે. તેમાં 8 સ્થળ દક્ષિણ આફ્રિકામાં, 3 ઝિમ્બાબ્વેમાં અને 1 નામિબિયામાં છે. નામિબિયા પહેલીવાર મેન્સ સિનિયર વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ 2003માં પણ વર્લ્ડ કપની યજમાની કરી હતી. 2027નું આયોજન આફ્રિકામાં 24 વર્ષ બાદ મેન્સ વનડે વર્લ્ડ કપની વાપસી પણ ગણાશે.

આઈસીસીના ચેરમેન જય શાહે કહ્યું, "કાર્યક્રમની જાહેરાત અને ટિકિટ બેલેટની શરૂઆત આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 તરફની યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો છે. આ ચાહકોને ત્રણેય દેશોમાં ક્રિકેટના ભવ્ય મહોત્સવની વધુ નજીક લાવે છે. આઈસીસી પોતાના વર્લ્ડ કપ આયોજનોને શક્ય તેટલા વધુ ચાહકો માટે સુલભ બનાવવા પ્રતિબદ્ધ છે, જેમાં પરવડે તેવી ટિકિટ કિંમતો અને એવા વિકલ્પો સામેલ છે, જે પરિવારો, યુવાનો અને સ્થાનિક સમુદાયોને મેદાન પરની રોમાંચક રમતની નજીક લાવે છે."

તેમણે ઉમેર્યું, "દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા વિશ્વની શ્રેષ્ઠ ટીમો માટે યાદગાર મંચ પૂરો પાડશે—ક્રિકેટ પ્રત્યેનો ઊંડો જુસ્સો, અદભુત સ્થળો અને આતિથ્યની પ્રસિદ્ધ ઉષ્માનું અનોખું સંયોજન રજૂ કરીને. અમે સમગ્ર વિશ્વમાંથી ચાહકોનું સ્વાગત કરવા અને એવી યાદો સર્જવા આતુર છીએ, જે ફાઇનલ મેચ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી રહે."