આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવારે ક્રિકેટના 8 નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 ઓક્ટોબર 2026થી શરૂ થતી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ પર લાગુ થશે. હાલ ચાલી રહેલી શ્રેણીઓ પર જૂના નિયમો લાગુ રહેશે.
1. બેટરે સમય બગાડ્યો તો 5 રનની પેનલ્ટી: બેટરે બોલ રમવા માટે નક્કી કરેલા સમયમાં તૈયાર રહેવું પડશે. જો બેટર સમયસર તૈયાર ન હોય તો પહેલી ભૂલ પર ચેતવણી, બીજી ભૂલ પર અંતિમ ચેતવણી અને ત્રીજી ભૂલ પર ફિલ્ડિંગ ટીમને 5 પેનલ્ટી રન મળશે.
2. દિવસની ટેસ્ટમાં પિંક બોલનો ટ્રાયલ: ખરાબ પ્રકાશને કારણે રમત પર અસર ઘટાડવા દિવસની ટેસ્ટમાં પિંક બોલનો ઉપયોગ ટ્રાયલ તરીકે કરી શકાશે. આ માટે બંને ટીમોની સંમતિ જરૂરી છે. એકવાર નક્કી થયા પછી મેચ દરમિયાન બોલ બદલી શકાશે નહીં. હાલ ડે-નાઇટ ટેસ્ટમાં જ ગુલાબી બોલ વપરાય છે.
3. પુરુષ અને મહિલા ક્રિકેટમાં બોલના કદ-વજન અલગ: પુરુષોના બોલનું વજન 156થી 163 ગ્રામ અને કદ 22.4થી 22.9 સેન્ટિમીટર હશે. મહિલાઓના બોલનું વજન 142થી 149 ગ્રામ અને કદ 21.5થી 22 સેન્ટિમીટર રહેશે.
4. ઓવરથ્રો નિયમમાં ફેરફાર: ફિલ્ડર રન રોકવા કે રનઆઉટ માટે બોલ સ્ટમ્પ તરફ ફેંકે અને બોલ આગળ નીકળી જાય તો તે ઓવરથ્રો ગણાશે. પરંતુ ફિલ્ડર માત્ર બોલ રોકવાનો કે બીજા ફિલ્ડર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય અને બોલ હાથમાંથી છૂટી જાય તો તે ઓવરથ્રો ગણાશે નહીં.
5. રનઆઉટ અને સ્ટમ્પિંગ માટે બોલ પર સંપૂર્ણ નિયંત્રણ જરૂરી: રનઆઉટ કે સ્ટમ્પિંગમાં હવે માત્ર બોલને હાથ કે ગ્લવ્ઝથી સ્પર્શ કરવો પૂરતો નહીં ગણાય. ફિલ્ડર કે વિકેટકીપર પાસે બોલ પર સંપૂર્ણ નિયંત્રણ હોવું જરૂરી છે. જો વિકેટકીપર બોલને માત્ર સ્પર્શ કરે અને તે જ સમયે ગિલ્લીઓ પડી જાય તો તે આઉટ ગણાશે નહીં.
6. છેલ્લી ઓવરમાં વિકેટ પડવાથી દિવસની રમત સમાપ્ત નહીં: ટેસ્ટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો પણ રમત તરત સમાપ્ત નહીં થાય. જો હવામાન અને મેદાનની સ્થિતિ અનુકૂળ હોય તો બાકીના બોલ એ જ દિવસે નાખવામાં આવશે. અગાઉ આવી સ્થિતિમાં દિવસની રમત સમાપ્ત કરી દેવાતી હતી. ICC મુજબ તેનાથી સમયની બચત થશે.
7. T-20માં 15 મિનિટનો ઇન્ટરવલ, ડ્રિંક્સ બ્રેકમાં કોચ મેદાન પર: T-20 આંતરરાષ્ટ્રીયમાં હવે 15 મિનિટનો નિર્ધારિત ઇન્ટરવલ રહેશે. જો અગાઉ સમયનું નુકસાન થયું હોય તો આ ઇન્ટરવલ ઘટાડીને 10 મિનિટ કરી શકાય છે. વનડે અને T-20માં હેડ કોચ ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાન પર આવી શકશે. વનડેમાં અત્યારે માત્ર સબ્સ્ટિટ્યૂટ ખેલાડીઓ જ ડ્રિંક્સ બ્રેકમાં મેદાન પર જઈ શકે છે.
8. લેગ સાઇડ વાઇડ માટે બેટરની સ્થિતિ નિર્ણાયક: વનડે અને T-20માં લેગ સાઇડ વાઇડ અંગેનો નિયમ હવે લાગુ કરાયો છે. આ નિયમ ત્યારે લાગુ પડશે જ્યારે બેટર બોલ ફેંકાય તે પહેલાં કે ફેંકતી વખતે પોતાની સ્થિતિ બદલી લે. હવે બોલ ફેંકાય તે સમયે બેટરના પગની સ્થિતિ આધાર ગણાશે. બોલ ફેંકાયા પછી બેટર ઑફ સાઇડ તરફ જાય તો તેની આગળની મૂવમેન્ટ વાઇડ નક્કી કરવાનો આધાર બનશે નહીં.