સત્ય. સાહસ. સંકલ્પ.

બાલીમાં ICC બોર્ડ બેઠક: WTCમાં ટીમોની સંખ્યા 12 કરવા પર ચર્ચા, વન-ડેના ભવિષ્ય પર પણ નિર્ણય

બાલીમાં ICC બોર્ડ બેઠક: WTCમાં ટીમોની સંખ્યા 12 કરવા પર ચર્ચા, વન-ડેના ભવિષ્ય પર પણ નિર્ણય

ઇન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલી ICCની બોર્ડ મિટિંગમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ટીમોની સંખ્યા 9થી વધારીને 12 કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ ઉપરાંત વન-ડે ક્રિકેટના ભવિષ્ય અને 2027-31ના નવા ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) પર પણ ચર્ચા થશે. જોકે, આગામી ચક્રમાં 9 ટીમ જ રમે તેવી શક્યતા છે.

ICCની બેઠકમાં 2027થી 2031 સુધીના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) પર પણ ચર્ચા થશે. હાલનો FTP માર્ચમાં પૂર્ણ થઈ રહ્યો છે. મોટાભાગના દેશો વચ્ચેની સિરીઝને લઈને સંમતિ પહેલેથી જ બની ચૂકી છે. રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડ 2028માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસમાં ઓછામાં ઓછી એક ટેસ્ટ મેચ સામેલ થવાની શક્યતા છે. બંને દેશો વચ્ચે ઝિમ્બાબ્વેમાં છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ 2004માં રમાઈ હતી.

દક્ષિણ આફ્રિકા 2027માં ઝિમ્બાબ્વેનો ટેસ્ટ પ્રવાસ કરશે. બીજી તરફ, ઑસ્ટ્રેલિયા પણ આગામી FTP ચક્રમાં ઝિમ્બાબ્વે જઈ શકે છે. જોકે, આ પ્રવાસમાં ટેસ્ટ મેચ રમાશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી.

ICCએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ભવિષ્યને લઈને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની મેકિન્સે પાસે વ્યૂહાત્મક સમીક્ષા કરાવી છે. તેનો અહેવાલ પણ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમાં ટેસ્ટ, વન-ડે અને T20 - ત્રણેય ફોર્મેટના ભવિષ્ય અંગે સૂચનો આપવામાં આવ્યા છે.

રિપોર્ટમાં વન-ડે ક્રિકેટને લઈને ખાસ ચર્ચા થવાની અપેક્ષા છે. ટેસ્ટ અને T20 વચ્ચે વન-ડે ફોર્મેટની લોકપ્રિયતા અને ભવિષ્ય અંગે સતત સવાલો ઉઠતા રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી FTP ચક્રમાં વન-ડે મેચની સંખ્યા ઘટી શકે છે. રિપોર્ટ મુજબ, વન-ડે મુકાબલા મુખ્યત્વે 2030 અને 2031માં રમાઈ શકે છે, જેથી 2031ના વન-ડે વર્લ્ડ કપની તૈયારી થઈ શકે.

ICCની બેઠકમાં અફઘાનિસ્તાનની શરણાર્થી મહિલા ક્રિકેટ ટીમના ભવિષ્ય અંગે પણ ચર્ચા થશે. આ માટે ICCએ આ વર્ષે એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ કમિટી ખેલાડીઓના ટ્રેનિંગ અને મેચનું કાર્યક્રમ તૈયાર કરી રહી છે, જેથી ટીમ 2030માં સંભવિત ક્વૉલિફિકેશનની તૈયારી કરી શકે. ટાસ્ક ફોર્સ બેઠકમાં આગળની યોજના રજૂ કરશે.