ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડરને પાકિસ્તાની મહિલા જાસૂસ દ્વારા છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. આ અધિકારીએ ન્યૂડ તસવીરોના લોભમાં દેશના ગુપ્ત રક્ષા સંબંધિત રહસ્યો પાકિસ્તાનને લીક કર્યા હોવાનું ચાર્જશીટમાં જણાવાયું છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે ચાર્જશીટ દાખલ કરી છે. આરોપી વિંગ કમાન્ડર મનોરથ સિંહ સભરવાલની ઑગસ્ટ 2026માં ધરપકડ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે તેને 5 ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પાકિસ્તાની મહિલા જાસૂસને લેહમાં ફાઇટર પ્લેનોની તૈનાતી, રાજસ્થાનમાં સૈન્ય અભ્યાસ અને ડ્રોન યુનિટની ક્ષમતાઓ સહિતની માહિતી આપી હતી. ઉપરાંત, યુદ્ધ સમયે સેના ક્યાં તૈનાત થઈ શકે તે અંગેના દસ્તાવેજોના પાનાં પણ મોકલ્યા હતા. તેમણે કહ્યું હતું કે દરેક ન્યૂડ તસવીરના બદલામાં વૉર પ્લાનનું એક નવું પાનું આપશે.
પોલીસે બંનેની વોટ્સએપ ચેટ તપાસી હતી. તેમાં 3008 મેસેજ, 65 ફોટા, 65 રિએક્શન, 42 કૉલ, 4 વીડિયો કૉલ અને 6 લિંક મળી આવી હતી. આ અધિકારી 12 જાન્યુઆરીથી 1 એપ્રિલ વચ્ચે શંકાસ્પદ પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો. આ એજન્ટે સોશિયલ મીડિયા પર સેનાના અધિકારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. વાતચીત ગુજરાતના સિમથી ચાલતી હતી.
આરોપી ત્યારે પકડાયો જ્યારે તેને પોતાની ઑફિસમાં સુરક્ષાકર્મીઓએ રોક્યો. તે રેસકોર્સ સ્થિત ઑફિસમાં જઈ રહ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તપાસ કરતાં તેની પાસે આઇફોન મળી આવ્યો, જે ત્યાં મંજૂર નહોતો, કારણ કે તે ગુપ્ત યુનિટનું નેતૃત્વ કરી રહ્યો હતો, તેથી ફોન રાખવાની સખત મનાઈ હતી.
ફોનની તપાસ કરવામાં આવી ત્યારે વૉટ્સએપ ચેટ અને માહિતી શેર કરવાના સમગ્ર મામલાનો ખુલાસો થયો. ત્યારબાદ IAFને જાણ થઈ અને દિલ્હી પોલીસને માહિતી આપવામાં આવી.
પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીએ ડ્રોન યુનિટમાં કેટલા લોકો છે, તે કેવી રીતે કામ કરે છે અને તેની શું ક્ષમતાઓ છે, તેની માહિતી આપી હતી. ડ્રોનના પરીક્ષણ, તે કેટલો સમય ઉડી શકે છે અને નિશાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તેની વિગતો પણ શેર કરવાનો આરોપ છે.
આ મામલો મે 2026માં સામે આવ્યો હતો. વાયુસેના અધિકારીઓની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે 30 મે 2026ના રોજ વિંગ કમાન્ડરની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યો હતો.
આરોપ છે કે પાકિસ્તાની એજન્ટના કહેવા પર અધિકારીએ પોતાના હેઠળ કામ કરતા પાંચ કર્મચારીઓના મોબાઇલ અને અન્ય ઉપકરણોમાં જાસૂસી સોફ્ટવેર નંખાવ્યું. આથી તેમના ઉપકરણોમાં રહેલી ખાનગી અને સૈન્ય માહિતી સુધી પહોંચ મેળવી શકાતી હતી. મતલબ કે એક વિંગ કમાન્ડર મારફતે સમગ્ર યુનિટને હેક કરવાની યોજના હતી.