લદાખ-નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના આઈએલ-૭૬ એમડી ભારે પરિવહન વિમાને લદાખના ન્યોમા એરફિલ્ડ પર ૧૩,૬૨૯ ફૂટની ઊંચાઈએ સફળ લેન્ડિંગ કર્યું છે. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપીને જણાવ્યું કે આ વિમાન દ્વારા કરવામાં આવેલું આ સૌથી ઊંચું લેન્ડિંગ છે.
પૂર્વ લદાખમાં આવેલું ન્યોમા ચીન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (એલએસી)ની ખૂબ નજીક છે. તેથી ભારત માટે તે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વનું છે. આ લેન્ડિંગ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે વધુ ઊંચાઈ પર ભારે પરિવહન વિમાનોનું સંચાલન કરવું અત્યંત મુશ્કેલ હોય છે. આટલી ઊંચાઈ પર હવા ખૂબ પાતળી હોય છે. તેની અસર વિમાનને ઉપર ઊપાડવાથી લઈને તેના એન્જિનના પ્રદર્શન સુધી પડે છે. તેથી અહીં ટેકઓફ અને લેન્ડિંગ બંને પડકારજનક બની જાય છે.
આઈએલ-૭૬ એમડી રશિયામાં બનેલું ચાર એન્જિનોવાળું ભારે પરિવહન વિમાન છે. તેને સૈનિકો, સાધનો અને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. દૂરદરાજના વિસ્તારોમાં અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વના સ્થળોએ કર્મચારીઓ તથા જરૂરી સાધનસામગ્રી પહોંચાડવામાં તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આઈએલ-૭૬ એમડી વિમાનની ખાસિયતો : ભારતીય વાયુસેનાનું આ ભારે માલવાહક વિમાન સૈનિકો, ટેન્કો, તોપો અને ભારે વાહનો લઈ જઈ શકે છે. તે ૪૦થી ૫૦ ટન વજન લઈ જઈ શકે છે. તે લગભગ ૪,૦૦૦થી ૫,૦૦૦ કિલોમીટરની ઉડાન ભરી શકે છે. તેની મહત્તમ ઝડપ કલાકના ૮૫૦ કિલોમીટર છે. સામાન્ય રીતે તેમાં પાંચથી સાત ક્રૂ સભ્યો હોય છે.