ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને લક્ષ્ય સેને જર્મનીના સારબ્રુકમાં ચાલી રહેલી હાયલો ઓપન સુપર 500 ટુર્નામેન્ટમાં પુરુષ અને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, માલવિકા બંસોડ અને ઈશરાની બરુઆને હારનો સામનો કરવો પડ્યો છે અને તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
ગુરુવારે રમાયેલી મહિલા સિંગલ્સની મેચમાં બીજા ક્રમાંકિત સિંધુએ ફ્રાન્સની રોઝી ઓક્ટાવિયા પંકસારીને 21-9, 21-6 એમ સીધી ગેમમાં 26 મિનિટમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સિંધુએ શરૂઆતથી જ મેચ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેમણે કુલ રમાયેલા 57 પોઈન્ટમાંથી 42 પોતાના નામે કર્યા હતા, જ્યારે પ્રતિસ્પર્ધીને માત્ર 15 પોઈન્ટ મળ્યા હતા. આ પહેલા પ્રથમ રાઉન્ડમાં સિંધુએ ભારતીય ખેલાડી પ્રકૃતિ ભારતને હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો ડેનમાર્કની અમલી શુલ્ઝ સામે થશે. ઉલ્લેખનીય છે કે, સિંધુએ આ વર્ષે જાપાન ઓપનનો ખિતાબ જીત્યો હતો અને ફ્રેન્ચ ઓપનમાં ઉપવિજેતા રહી હતી.
પુરુષ સિંગલ્સમાં ભારતના ટોચના ખેલાડી લક્ષ્ય સેને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સાથી ભારતીય કિરણ જ્યોર્જને 21-15, 18-21, 21-12 એમ ત્રણ ગેમમાં 54 મિનિટમાં હરાવ્યો. લક્ષ્યએ પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ બીજી ગેમમાં 18-21થી હારી ગયા. નિર્ણાયક ત્રીજી ગેમમાં તેમણે જોરદાર વાપસી કરીને 21-12થી જીત મેળવીને અંતિમ આઠમાં સ્થાન પક્કું કર્યું.
મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બંસોડને કેનેડાની વેન યુ ઝાંગે 21-11, 21-17થી 31 મિનિટમાં હરાવીને બહાર કરી. માલવિકા પ્રથમ ગેમમાં પાછળ રહી ગઈ હતી અને બીજી ગેમમાં સારા પ્રદર્શન છતાં મેચ બચાવી શકી નહીં. તે જ રીતે, ઈશરાની બરુઆને ડેનમાર્કની આઠમા ક્રમાંકિત લાઈન હોજમાર્ક કેજર્સફેલ્ડે 21-14, 21-19થી 39 મિનિટમાં હરાવી. ઈશરાનીએ બીજી ગેમમાં સારો પડકાર આપ્યો હતો, પરંતુ ડેનમાર્કની ખેલાડીએ સીધી ગેમમાં જીત નોંધાવી.
આ ઉપરાંત, મહિલા સિંગલ્સમાં ભારતની છઠ્ઠા ક્રમાંકિત ઉન્નતિ હુડ્ડાનો મુકાબલો ડેનમાર્કની ફ્રેડરિક ઓસ્ટરગાર્ડ સામે થશે, જ્યારે પુરુષ સિંગલ્સમાં અનમોલ ખરબ ડેનમાર્કની ત્રીજા ક્રમાંકિત લાઈન ક્રિસ્ટોફરસેન સામે રમશે.