સત્ય. સાહસ. સંકલ્પ.

હૈદરાબાદ સીરિયલ કિલર: ખાખી કવરસ્ત્રીની લાશના બ્લાઉસમાંથી મળી કાપલી, જેમાં લખેલો નંબર ખૂનીનો નહોતો

હૈદરાબાદ સીરિયલ કિલર: ખાખી કવરસ્ત્રીની લાશના બ્લાઉસમાંથી મળી કાપલી, જેમાં લખેલો નંબર ખૂનીનો નહોતો

4 જાન્યુઆરી, 2021. શિયાળાની સવાર. હૈદરાબાદથી લગભગ 30 કિલોમીટર દૂર ઘાટકેસર વિસ્તારના અંકુશપુર ગામમાં એક પશુપાલક પોતાનાં પશુઓ સાથે રેલવેના પાટા પાસે ચાલી રહ્યો હતો. અચાનક તેના પગ અટકી ગયા. તેની નજર એક જગ્યાએ ચોંટી ગઈ. રેલવે ટ્રેક પાસે એક મહિલાની લાશ પડી હતી, જેનો ચહેરો ગંભીર રીતે બાળી નાખવામાં આવ્યો હતો.

આ સમાચાર ઘાટકેસર પોલીસ સુધી પહોંચ્યા. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો, પરંતુ મહિલાનું નામ કે સરનામું શોધી શક્યા નહીં. પોલીસ પાસે ત્રણ પ્રશ્નો હતા: આ મહિલા કોણ હતી? તે શહેરથી આટલે દૂર આ નિર્જન જગ્યા પર કેવી રીતે પહોંચી? અને જેણે તેને મારી નાખી તેણે તેનો ચહેરો બાળી નાખવાની તસ્દી કેમ લીધી? રસપ્રદ વાત એ હતી કે આ કિસ્સો લૂંટનો નહોતો, કારણ કે તે મહિલાનાં ઘરેણાં અને સામાન અકબંધ હતો. ત્રીજા પ્રશ્નનો જવાબ સૌથી ભયાનક હતો: ખૂની ઇચ્છતો ન હતો કે મૃત શરીરનું નામ કોઈને ખબર પડે, કારણ કે નામ મળતાં જ ખબર પડી જાય કે તે છેલ્લે કોની સાથે જોવા મળી હતી.

આ કેસ હૈદરાબાદની એ સીરિયલ હત્યાઓનો હતો જેમાં એક મહિલાની હત્યા પરથી અનેક સ્ત્રીઓની કરપીણ હત્યાઓનું રહસ્ય ખૂલ્યું. હત્યારાની વિકૃત વાસનાને કારણે આ કેસને ‘જેક ધ રિપર ઑફ ઇન્ડિયા’નું ટેગ પણ મળી ગયું હતું.

પોસ્ટમોર્ટમ દરમિયાન જ્યારે મહિલાના મૃતદેહનાં કપડાં કાઢવામાં આવ્યાં, ત્યારે તેના બ્લાઉસની અંદરથી એક ગડી કરેલો કાગળ મળી આવ્યો. તેના પર એક મોબાઇલ ફોન નંબર લખેલો હતો, પરંતુ તે નંબર અધૂરો હતો. કેટલાક અંકો ચેકી નાખવામાં આવ્યા હતા. પોલીસે પહેલા ચેકી નાખેલી જગ્યામાં ‘0’, પછી ‘1’, પછી ‘2’ ઉમેર્યા અને એક પછી એક નંબરો પર ફોન કરતા રહ્યા. અનેક પ્રયાસો પછી એક ફોન લાગ્યો, જેમાં પોલીસને લાગ્યું કે આ માણસ કંઈક જાણે છે.

બીજી બાજુ, હૈદરાબાદના યુસુફગુડા વિસ્તારનો એક કડિયાકામ કરતો માણસ, જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર માણસો સપ્લાય કરવાનું કામ પણ કરતો હતો, પોલીસને લાગ્યું કે આ જ આપણો ખૂની છે, તેને દબોચી લઈએ એટલે કેસ સોલ્વ.

પોલીસે તે માણસનું લોકેશન ટ્રેસ કરીને પિનપોઇન્ટ કર્યું અને ઉપાડીને પોલીસ સ્ટેશન લાવ્યા. પરંતુ પૂછપરછ શરૂ થતાં જ ક્લિયર થઈ ગયું કે તે ખૂની નથી. કડિયાકામ કરતા માણસે પોલીસને કહ્યું કે થોડા દિવસ પહેલાં એક મહિલા તેની પાસે કામ માગવા આવી હતી. કડિયાએ કહ્યું કે તે મહિલાને ફોન કરશે. મહિલાએ તેનો નંબર એક કાપલી પર લખ્યો અને તે જતી રહી. એટલે કે મૃતક મહિલાના બ્લાઉસમાંથી મળેલી કાપલીમાં લખેલો આ નંબર ખૂનીનો નહોતો, બલકે એક મહિલાની પેટિયું રળવાની આશાનો હતો.

પોલીસ હવે ફરી પાછી જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં આવી ગઈ. પરંતુ આ કડિયાએ પોલીસને એક એવી વાત કરી જેનાથી આખી તપાસની દિશા જ બદલાઈ ગઈ. તેણે પોલીસને કહ્યું કે, એ સ્ત્રી તો ઘણા દિવસથી ગાયબ છે. તેની તપાસ કરી, પણ તે ક્યાંય મળી જ નહીં. પોલીસે ચેક કર્યું તો તે મહિલાના ગાયબ થયાની ફરિયાદ પણ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી.

જ્યુબિલી હિલ્સ હૈદરાબાદનો પૉશ એરિયા છે. ચિરંજીવી, પ્રભાસ, અલ્લુ અર્જુન, નાગાર્જુન, વિજય દેવરકોંડા, જુનિયર NTR જેવા અનેક સુપરસ્ટાર્સ આ જ એરિયામાં રહે છે. તેની બાજુમાં આવેલો યુસુફગુડા અત્યંત ગીચ કમર્શિયલ એરિયા છે. ત્યાં IT પ્રોફેશનલ્સથી લઇને છૂટક મજૂરી કરતા લોકો સુધી અનેક પ્રકારના લોકો રહે છે અને કામ કરે છે. તેના અમુક ચાર રસ્તા પર વહેલી સવારે રોજમદારી કરીને છૂટક મજૂરી કરતા શ્રમિકો કામ શોધવા માટે ઊભા રહે છે.

સાંજ પડ્યે આ વિસ્તારની અમુક ચોક્કસ પ્રકારની દુકાનોમાં આ જ શ્રમિકોની લાઇનો લાગેલી હોય છે. આ દુકાનોમાં તાડી મળે છે. તાડના ઝાડનો માદક રસ એટલે તાડી. સસ્તા ભાવે મળતો આ દેશી શરાબ આખો દિવસ શરીર તૂટી જાય એવી મજૂરી કરીને આવેલા શ્રમિક સ્ત્રી-પુરુષો પીને પોતાના શરીરનો થાક અને જીવનનાં દુઃખ ભૂલવાનો પ્રયાસ કરે છે.