હૈદરાબાદના નાદરગુલ વિસ્તારમાં આવેલી MVSR એન્જિનિયરિંગ કોલેજમાં નવરાત્રિના ગરબા દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ડાંડિયા નાઇટમાં લાઇટિંગ માટે લગાવવામાં આવેલું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ (EEE)ના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સોના નારાયણ દાસનું મોત થયું છે. આ ઘટનામાં તેની બહેન મીના નારાયણ દાસ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
મીનાની નાદરગુલ નજીક આવેલી પ્રત્યુષા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દુર્ઘટનામાં અન્ય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે કોલેજમાં ડાંડિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લાઇટિંગ અથવા લિફ્ટિંગ માટે ઉભું કરવામાં આવેલું સ્ટ્રક્ચર અચાનક પડી ગયું. સોનાને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું.
હાલમાં આ ઘટના અંગે વધુ વિગતો સામે આવી નથી. સ્ટ્રક્ચર કયા કારણોસર પડ્યું અને ઘટના સમયે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા, તે સ્પષ્ટ થયું નથી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.