'હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026'માં શાહરુખ ખાન ફરી એકવાર દેશનો સૌથી અમીર ભારતીય એક્ટર તરીકે ચમક્યો છે. રિપોર્ટ મુજબ, તેમની કુલ સંપત્તિ ₹10,000 કરોડ નોંધાઈ છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થમાં ₹2,500 કરોડનો ઘટાડો થયો છે. 2025ની યાદીમાં તેમની સંપત્તિ ₹12,490 કરોડ હતી, જ્યારે આ વર્ષની શરૂઆતમાં જાહેર થયેલી 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ'માં તે ₹10,800 કરોડ જણાવાઈ હતી.
શાહરુખની સંપત્તિમાં તેમની પ્રોડક્શન કંપની 'રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ' અને IPL ટીમ 'નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ'નો મોટો ફાળો છે.
આ યાદીમાં અમિતાભ બચ્ચન ₹4,000 કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ગયા વર્ષે તેમની નેટવર્થ ₹1,630 કરોડ હતી, જે આ વર્ષે વધીને ₹4,000 કરોડ થઈ છે — એટલે કે ₹2,370 કરોડનો વધારો. અમિતાભ પોતાની ફેમિલી ઓફિસ મારફતે અલગ-અલગ કંપનીઓ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે રોકાણ કરે છે. શાહરુખની જેમ તેઓ પણ સીધો કોઈ મોટો બિઝનેસ ચલાવતા નથી.
અભિનેતા સલમાન ખાને ₹3,000 કરોડની નેટવર્થ સાથે પહેલીવાર આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમનું 'સલમાન ખાન ફિલ્મ્સ' નામનું પ્રોડક્શન હાઉસ છે. હૃતિક રોશનની સંપત્તિ પણ ગયા વર્ષના ₹2,160 કરોડથી વધીને ₹2,500 કરોડ થઈ છે. તેમની ફિટનેસ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 'HRX'ની બજારમાં કિંમત ઝડપથી વધવાને કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે.
આ વખતની યાદીમાં કેટલાક જૂના મોટા નામોને સ્થાન મળ્યું નથી. ગયા વર્ષે ₹7,790 કરોડની નેટવર્થ ધરાવતી અભિનેત્રી જૂહી ચાવલા અને ₹1,880 કરોડની સંપત્તિ ધરાવતા ફિલ્મમેકર કરણ જોહર આ વખતે યાદીમાંથી બહાર છે.
આ દરમિયાન, આગામી ફિલ્મ 'રામાયણ'ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના પિતા નરેશ મલ્હોત્રાનો પણ યાદીમાં સમાવેશ થયો છે. હુરુનના રિપોર્ટમાં તેમની કુલ સંપત્તિ ₹16,000 કરોડ જણાવાઈ છે.
બીજી તરફ, શાહરુખ ખાન 2023 પછી 'કિંગ' ફિલ્મ સાથે મોટા પડદા પર પરત ફરવાની તૈયારીમાં છે. તેમની છેલ્લી ફિલ્મો 2023માં આવી હતી, જ્યારે 'પઠાન', 'જવાન' અને 'ડંકી'એ બોક્સ ઑફિસ પર રેકોર્ડ કમાણી કરી હતી. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી 'કિંગ'માં તેમની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.