સત્ય. સાહસ. સંકલ્પ.

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026: શાહરુખ ખાન ₹10,000 કરોડ સાથે ટોચ પર, સલમાન ખાનની પહેલીવાર એન્ટ્રી

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026: શાહરુખ ખાન ₹10,000 કરોડ સાથે ટોચ પર, સલમાન ખાનની પહેલીવાર એન્ટ્રી

મુંબઈ: 'હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026'માં બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન ફરી એકવાર દેશના સૌથી અમીર એક્ટર તરીકે ચમક્યો છે. રિપોર્ટ મુજબ, તેમની કુલ સંપત્તિ ₹10,000 કરોડ નોંધાઈ છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થમાં ₹2,500 કરોડનો ઘટાડો થયો છે. 'હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025'માં તેમની સંપત્તિ ₹12,490 કરોડ હતી.

શાહરુખની સંપત્તિમાં તેમની પ્રોડક્શન કંપની 'રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ' અને IPL ટીમ 'નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ'નો મોટો ફાળો છે. આ વર્ષની શરૂઆતમાં જાહેર થયેલી 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ'માં તેમની કુલ સંપત્તિ ₹10,800 કરોડ જણાવાઈ હતી.

યાદીમાં બીજા ક્રમે અમિતાભ બચ્ચન છે, જેમની નેટવર્થ ગયા વર્ષના ₹1,630 કરોડથી વધીને આ વર્ષે ₹4,000 કરોડ થઈ છે. અમિતાભ કોઈ મોટો બિઝનેસ ચલાવતા નથી, પરંતુ તેમની ફેમિલી ઓફિસ મારફતે વિવિધ કંપનીઓ અને રિયલ એસ્ટેટમાં ભારે રોકાણ કરે છે, જેના કારણે તેમની સંપત્તિમાં આ વધારો થયો છે.

આ યાદીમાં સલમાન ખાને પહેલીવાર સ્થાન મેળવ્યું છે. તેમની કુલ સંપત્તિ ₹3,000 કરોડ નોંધાઈ છે. સલમાન પાસે 'સલમાન ખાન ફિલ્મ્સ' નામનું પ્રોડક્શન હાઉસ છે.

હૃતિક રોશનની નેટવર્થ પણ વધી છે. 2025ની યાદીમાં તેમની સંપત્તિ ₹2,160 કરોડ હતી, જે હવે વધીને ₹2,500 કરોડ થઈ છે. તેમની ફિટનેસ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 'HRX' માર્કેટમાં ઝડપથી વધી છે, જે તેમની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ છે.

જોકે, આ વખતે કેટલાક જૂના મોટા નામો યાદીમાંથી બહાર થઈ ગયા છે. ગયા વર્ષે ₹7,790 કરોડની નેટવર્થ ધરાવતી અભિનેત્રી જૂહી ચાવલા અને ₹1,880 કરોડની સંપત્તિ ધરાવતા ફિલ્મમેકર કરણ જોહર આ વખતે યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.

આ દરમિયાન, આગામી ફિલ્મ 'રામાયણ'ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના પિતા નરેશ મલ્હોત્રાનો પણ યાદીમાં સમાવેશ થયો છે. હુરુનના રિપોર્ટમાં તેમની કુલ સંપત્તિ ₹16,000 કરોડ જણાવવામાં આવી છે.

શાહરુખ ખાન 2023 પછી 'કિંગ' ફિલ્મ સાથે બોલિવૂડમાં કમબેક કરશે. તેમની છેલ્લી ફિલ્મો 2023માં આવી હતી, જેમાં 'પઠાન', 'જવાન' અને 'ડંકી'એ બોક્સ ઑફિસ પર રેકોર્ડ કમાણી કરી હતી. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી 'કિંગ'માં તેમની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.