ગૌતમ અદાણી અને તેમનો પરિવાર દેશના સૌથી અમીર બન્યા છે. એમ3એમ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 મુજબ, અદાણી પરિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડી દીધા છે.
23 સપ્ટેમ્બરે જાહેર થયેલા અહેવાલ પ્રમાણે, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 13% વધીને 9.23 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, મુકેશ અંબાણીની સંપત્તિમાં 10%નો ઘટાડો થયો છે અને તેઓ 8.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને આવી ગયા છે.
આ વર્ષની યાદીમાં 1,000 કરોડ રૂપિયા કે તેથી વધુ સંપત્તિ ધરાવતા 1,810 લોકોને સ્થાન મળ્યું છે. યાદીમાં સામેલ તમામ લોકોની કુલ સંપત્તિ વાર્ષિક 12.8% વધીને 187.5 લાખ કરોડ રૂપિયા થઈ છે.
ટોપ-3માં એલએન મિત્તલની એન્ટ્રી થઈ છે. આર્સેલરમિત્તલના એલ.એન. મિત્તલ અને તેમનો પરિવાર આઠ સ્થાન ઉપર ચઢીને ત્રીજા ક્રમે પહોંચ્યા છે. તેમની સંપત્તિ 93% વધીને 3.39 લાખ કરોડ રૂપિયા થઈ છે. યુરોપમાં સ્ટીલ વેપાર સંરક્ષણના પગલાં અને સ્ટીલના વધતા ભાવને કારણે તેમની સંપત્તિ વધી છે.
વેદાંતાના અનિલ અગ્રવાલ અને તેમનો પરિવાર 87%ની વૃદ્ધિ સાથે 2.08 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે અને નવમા સ્થાને છે. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને તેમનો પરિવાર 52%ની વૃદ્ધિ સાથે 1.89 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ વખત ટોપ-10માં 10મા સ્થાને રહ્યો છે.
આ યાદીમાં પહેલીવાર AIને અલગ ક્ષેત્ર તરીકે સામેલ કરવામાં આવ્યું છે. AI ક્ષેત્રના 19 લોકોની કુલ સંપત્તિ 3.07 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 15 નવા નામ છે, જેમણે પ્રથમ વખત સ્થાન મેળવ્યું છે અને 1.82 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરી છે. યાદીમાં કન્ટ્રોલ એસ ડેટાસેન્ટર્સ, યોટ્ટા, એસ્ટેરા લેબ્સ, પેરેલલ વેબ સિસ્ટમ્સ, સર્વમ AI અને ઇમર્જન્ટ AI જેવી કંપનીઓના પ્રમોટર્સ સામેલ છે.
AI ક્ષેત્રે નવા અને યુવા ઉદ્યોગપતિઓને પણ આગળ લાવ્યા છે. AI કંપની ‘વિસ્પર ફ્લો’ના સ્થાપક 28 વર્ષના તનય કોઠારી અને સહજ ગર્ગ યાદીમાં સામેલ થનારા સૌથી યુવા AI બિઝનેસ પર્સન બન્યા છે. બંનેની અંગત સંપત્તિ 4,200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ભારતમાં ડોલર અબજોપતિઓની સંખ્યા પણ વધી છે. ગયા વર્ષે 27 નવા ડોલર અબજોપતિ ઉમેરાતાં કુલ સંખ્યા 391 થઈ છે. પાંચ વર્ષ પહેલાં ભારતમાં 237 ડોલર અબજોપતિ હતા. આ વર્ષે યાદીમાં 128 નવા લોકો જોડાયા છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં 803 નવા નામ ઉમેરાયા છે. યાદીમાં 70% એટલે કે 1,266 લોકોએ પોતાના બળે આ મુકામ હાંસલ કર્યો છે.
ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો સૌથી વધુ 166 અમીર લોકો ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સમાંથી છે. ત્યારબાદ કેમિકલ્સના 142 અને ફાર્માસ્યુટિકલ્સના 136 લોકો યાદીમાં સામેલ છે. શહેરોમાં મુંબઈ પ્રથમ ક્રમે છે, જ્યાં 465 અમીર લોકો રહે છે. બીજા ક્રમે નવી દિલ્હી (236) અને ત્રીજા ક્રમે બેંગલુરુ (129) છે.
આ વખતે મહિલાઓની ભાગીદારી પણ વધી છે. યાદીમાં કુલ 131 મહિલાઓ સામેલ છે, જે ગયા વર્ષની 100 મહિલાઓ કરતાં વધુ છે. એચસીએલ ટેક્નોલોજીઝની રોશની નાદર મલ્હોત્રા અને તેમનો પરિવાર 2.79 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશની સૌથી અમીર મહિલા બન્યાં છે.