સત્ય. સાહસ. સંકલ્પ.

‘હુંકાર: ધ રોર’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, રણવીર સિંહ પણ પહોંચ્યો

‘હુંકાર: ધ રોર’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, રણવીર સિંહ પણ પહોંચ્યો

અનીત પડ્ડા અને ફાતિમા સના શેખની મુખ્ય ભૂમિકા ધરાવતી વેબ સિરીઝ ‘હુંકાર: ધ રોર’નું વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને લીડ એક્ટ્રેસ ઉપરાંત શ્વેતા ત્રિપાઠી અને રણવીર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અનીત પડ્ડાની આ સિરીઝ ફિલ્મ ‘સૈયારા’ની સફળતા બાદ ચર્ચામાં છે. કોર્ટરૂમ ડ્રામા પર આધારિત ‘હુંકાર: ધ રોર’ 25 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થઈ છે.

સ્ક્રીનિંગમાં અનીત પડ્ડા બ્રાઉન કોર્સેટ ટોપ અને મેચિંગ વાઇડ-લેગ પેન્ટમાં જોવા મળી હતી. ફાતિમા સના શેખ અભિનેતા સિદ્ધાંત ગુપ્તા સાથે જોવા મળી હતી. ‘હુંકાર: ધ રોર’ની ટીમે સાથે પોઝ આપ્યો હતો. અનીત પડ્ડા, ફાતિમા સના શેખ અને રઘુબીર યાદવ સહિતની સ્ટારકાસ્ટ કેમેરા સામે જોવા મળી હતી. રણવીર સિંહે જીશાન અય્યુબ સાથે પોઝ આપ્યો હતો. શ્વેતા ત્રિપાઠી પણ સ્ક્રીનિંગમાં સામેલ થઈ હતી.

આ સિરીઝ અનીત પડ્ડાની ત્રીજી વેબ સિરીઝ છે. ‘હુંકાર’માં અનીત પડ્ડા સાથે ફાતિમા સના શેખ અને મોહમ્મદ ઝીશાન અય્યુબ જોવા મળશે. આ સિરીઝ 17 વર્ષની મીનુ રાવત (અનીત પડ્ડા)ની વાર્તા છે, જે પ્રભાવશાળી ધર્મગુરુ ‘બાપજી’ પર યૌન શોષણનો આરોપ લગાવે છે.

મીનુનો સંઘર્ષ માત્ર બહારના લોકો અને સમાજ સાથે લડવાનો નથી, પરંતુ ખુદ તેના પિતા, જે બાપજી પર અસિમ શ્રદ્ધા ધરાવે છે, તેમને પણ વિશ્વાસ અપાવવાનો છે. જોકે, આ સંઘર્ષમય સમય દરમિયાન એસીપી જસલીન સિંહ સોંઈ (ફાતિમા સના શેખ) તેની સાથે ઢાલ બનીને ઊભી રહે છે. ટ્રેલર દરમિયાન એક ડાયલોગ આવે છે કે, ‘જ્યારે દુષ્કર્મના આરોપી વિરુદ્ધ બોલવું ગુનો થઈ જાય, તો આ કોનો દેશ છે, રામનો કે રાવણનો?’

મીનુના પિતા પણ તેની વાત માનવા માટે તૈયાર હોતા નથી. વકીલ બનેલા મોહમ્મદ ઝીશાન અય્યુબને મીનુ પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે. ‘બાપજી’ની ભૂમિકા રઘુબીર યાદવે ભજવી છે.

જિયોહોટસ્ટારે ટ્રેલર શેર કરતા X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “જ્યારે એક છોકરીનો અવાજ સમાજની ભક્તિ સાથે ટકરાશે, ત્યારે જીત કોની થશે?”

આ સિરીઝનું ડિરેક્શન કરણ ડી કપાડિયા, નિત્યા મેહરા અને હીરાજ મારફતિયાએ કર્યું છે. તેમાં રઘુબીર યાદવ અને રામ કપૂર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.