સત્ય. સાહસ. સંકલ્પ.

'હુંકાર' ટ્રેલર રિલીઝ: બાપજી સામે દુષ્કર્મ પીડિતાનો સંઘર્ષ, અનીત પડ્ડાની સ્પીચથી સૌ મૌન

'હુંકાર' ટ્રેલર રિલીઝ: બાપજી સામે દુષ્કર્મ પીડિતાનો સંઘર્ષ, અનીત પડ્ડાની સ્પીચથી સૌ મૌન

મુંબઈમાં 'હુંકાર' વેબસિરીઝનું ટ્રેલર લોન્ચ થયું છે. આ સિરીઝમાં અનીત પડ્ડા, ફાતિમા સના શેખ અને મોહમ્મદ ઝીશાન અય્યુબ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સિરીઝ 17 વર્ષની મીનુ રાવત (અનીત પડ્ડા)ની વાર્તા છે, જે પ્રભાવશાળી ધર્મગુરુ 'બાપજી' પર યૌન શોષણનો આરોપ લગાવે છે. 'બાપજી'ની ભૂમિકા રઘુબીર યાદવે ભજવી છે.

મીનુનો સંઘર્ષ માત્ર બહારના લોકો અને સમાજ સાથે જ નથી, પણ તેના પિતા સાથે પણ છે, જે બાપજી પર અંધ શ્રદ્ધા ધરાવે છે અને તેની વાત માનવા તૈયાર નથી. આ સંઘર્ષમય સમયમાં એસીપી જસલીન સિંહ સોંઈ (ફાતિમા સના શેખ) તેની સાથે ઢાલ બનીને ઊભી રહે છે. વકીલ બનેલા મોહમ્મદ ઝીશાન અય્યુબને મીનુ પર પૂરો વિશ્વાસ છે.

ટ્રેલરમાં એક સંવાદ છે: 'જ્યારે દુષ્કર્મના આરોપી વિરુદ્ધ બોલવું ગુનો થઈ જાય, તો આ કોનો દેશ છે, રામનો કે રાવણનો?'

જિયોહોટસ્ટારે ટ્રેલર શેર કરતા X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “જ્યારે એક છોકરીનો અવાજ સમાજની ભક્તિ સાથે ટકરાશે, ત્યારે જીત કોની થશે?”

આ સિરીઝનું ડિરેક્શન કરણ ડી કપાડિયા, નિત્યા મેહરા અને હીરાજ મારફતિયાએ કર્યું છે. તેમાં રઘુબીર યાદવ અને રામ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. સિરીઝ 25 સપ્ટેમ્બરે જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે.

લોન્ચ ઇવેન્ટમાં અનીત પડ્ડાએ આપેલી સ્પીચે સૌને વિચારતા કરી દીધા. તેણે વાર્તા અને સિરીઝ સંબંધિત વાત કરી. અનીત મિની ડ્રેસમાં અને ફાતિમા ફોર્મલ લુકમાં જોવા મળી. મંચ પર બંનેની ખાસ બોન્ડિંગ જોવા મળી.

અનીત પડ્ડાએ એડ ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. 2022ની ફિલ્મ 'સલામ વેંકી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. ત્યારબાદ OTT સિરીઝ 'બિગ ગર્લ ડોન્ટ ક્રાય' અને 'યુવા સપનો કા શહેર'માં કામ કર્યું. 2025માં મોહિત સુરીના ડિરેક્શનની ફિલ્મ 'સૈયારા'માં અહાન પાંડે સાથે જોવા મળી, જે સુપરહિટ સાબિત થઈ અને અનીતને દેશભરમાં ઓળખ મળી. 'હુંકાર' પછી તે મેડોક હોરર કોમેડી ફ્રેન્ચાઇઝીની ફિલ્મ 'શક્તિ શાલિની'માં જોવા મળશે.