એબીપી અસ્મિતાના લોકપ્રિય કાર્યક્રમ ‘હું તો બોલીશ’એ આજે 2000 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
મુખ્યમંત્રીએ એબીપી અસ્મિતાના એક્ઝિક્યુટિવ એડિટર રોનકભાઈ પટેલને પત્ર લખીને અભિનંદન આપ્યા છે. પત્રમાં તેમણે કાર્યક્રમના હોસ્ટ રોનક પટેલ અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે અંબાજી ધામથી 2000મા એપિસોડનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે, જે આનંદની વાત છે. તેમણે કહ્યું કે ‘હું તો બોલીશ’ સામાન્ય જનતાના અવાજને સત્તાના દરબાર સુધી પહોંચાડવાનું અને જાગૃતિ લાવવાનું ઉત્તમ માધ્યમ છે.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આ કાર્યક્રમ વર્ષોથી સામાન્ય લોકોના પ્રશ્નો, પડકારો અને મુદ્દાઓને સાચા અર્થમાં અવાજ આપે છે. પત્રકારત્વ અને સત્યનિષ્ઠા જાળવીને લોકોનો વિશ્વાસ જીતનારો આ કાર્યક્રમ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગુજરાતના વિકાસ તથા લોકકલ્યાણના અવાજ તરીકે ગુંજતો રહે તેવી શુભકામના પણ તેમણે વ્યક્ત કરી છે.