સત્ય. સાહસ. સંકલ્પ.

સાન ફ્રાન્સિસ્કોમાં 6 ફૂટના રોબોટ સામે અમેરિકન ઈન્ફ્લુએન્સર લડ્યો, વીડિયો વાયરલ

સાન ફ્રાન્સિસ્કોમાં 6 ફૂટના રોબોટ સામે અમેરિકન ઈન્ફ્લુએન્સર લડ્યો, વીડિયો વાયરલ

વિજ્ઞાન-કલ્પના ફિલ્મોમાં દેખાતું રોબોટ અને માણસ વચ્ચેનું યુદ્ધ હવે વાસ્તવિકતામાં સામે આવ્યું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક અનોખી ફાઈટિંગ મેચ યોજાઈ, જેમાં 6 ફૂટ ઊંચા હ્યુમનોઇડ રોબોટ સામે લોકપ્રિય અમેરિકન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફ્રેન્કી લાપેન્નાએ રિંગમાં ઉતરીને મુકાબલો કર્યો હતો.

આ મેચનું આયોજન અમેરિકાની રોબોટિક્સ કંપની REK દ્વારા કરવામાં આવ્યું હતું. કંપની વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત કોમ્બેટ ગેમ વિકસાવી રહી છે, જેમાં વપરાશકર્તા રિમોટ દ્વારા હ્યુમનોઇડ રોબોટને નિયંત્રિત કરીને રિંગમાં લડી શકે છે.

મેચ શરૂ થતાં પહેલાં રોબોટે રિંગમાં વોર્મ-અપ કર્યું હતું. ફાઈટ શરૂ થતાં જ લાપેન્નાએ રોબોટ પર મુક્કાબાજી કરી, જવાબમાં રોબોટે પણ જોરદાર પંચ અને કિક મારી. ફાઈટ દરમિયાન રોબોટની શક્તિશાળી કિકથી લાપેન્ના કેજમાં ફંગોળાયો, જે મશીનની ગતિ અને તાકાત દર્શાવે છે.

REK કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરતાં લખ્યું, “અમે પ્રથમ ‘હ્યુમન વર્સિસ ટર્મિનેટર’ રોબોટ ફાઈટ સાથે ઇતિહાસ રચ્યો છે. ફ્રેન્કી લાપેન્નાએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.”

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા શરૂ થઈ છે કે શું ભવિષ્યમાં રોબોટિક ફાઈટ પ્રોફેશનલ સ્પોર્ટ્સનો ભાગ બનશે. એક યુઝરે લખ્યું, “જો કોઈ પ્રોફેશનલ ફાઈટર આ રોબોટ સામે લડે તો પરિણામ શું આવે તે જોવું રસપ્રદ રહેશે.” અન્ય એક યુઝરે કહ્યું, “આવનારા 5 વર્ષમાં રોબોટ્સ અને માણસોની ફાઈટ UFC જેવી સ્પોર્ટ્સનો ભાગ બની જશે.”