સત્ય. સાહસ. સંકલ્પ.

આફ્રિકા બહાર માનવ માઈગ્રેશન અને નકશાના વિકૃત આકારની કહાની

આફ્રિકા બહાર માનવ માઈગ્રેશન અને નકશાના વિકૃત આકારની કહાની

માનવ ઈતિહાસમાં 'ધ ગ્રેટ માઈગ્રેશન' એટલે જ્યારે માનવજાતે પ્રથમવાર આફ્રિકા છોડ્યું. મોટા ભાગના વૈજ્ઞાનિકો માને છે કે માનવજાતની ઉત્પત્તિ આફ્રિકામાં થઈ, અને ત્યાંથી જ તેઓ વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાયા.

પરંતુ વિડંબના એ છે કે જે આફ્રિકાએ માનવ સંસ્કૃતિને આકાર આપ્યો, તે આફ્રિકાને જ તેના વાસ્તવિક આકાર માટે લડવું પડ્યું. ઘણા દાયકાઓ સુધી વિશ્વના નકશામાં આફ્રિકાનો આકાર ખોટો દર્શાવવામાં આવતો હતો. તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સે એવા વર્લ્ડ મેપને મંજૂરી આપી છે જેમાં દેશો અને ખંડો તેમના વાસ્તવિક કદ અને આકારની નજીક છે.

આ ખોટા નકશાની શરૂઆત 457 વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે ભૂગોળવિદ ગેરાર્ડસ મર્કેટરે દુનિયાનો નકશો બનાવ્યો. તે સમયે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર અને સમુદ્રી માર્ગોને સરળ બનાવવાનો હતો. પરંતુ આ નકશામાં ઘણા દેશો અને ખંડોનું કદ વાસ્તવિકતાથી અલગ દેખાય છે.

આફ્રિકી દેશ ટોગો સહિત અનેક દેશોએ આ મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે નકશો રાષ્ટ્રીય ઓળખને અસર કરે છે. લોકો ઘર છોડતા પહેલા નકશામાં પોતાનું સ્થાન જોવે છે, અને ખોટા નકશાને કારણે તેમની ઓળખ પણ વિકૃત બને છે.

નકશા માત્ર ભૌગોલિક માહિતી જ નથી આપતા, પણ જિજ્ઞાસા જગાડે છે. જ્યારે આપણે નકશો જોઈએ છીએ, ત્યારે પહેલા આપણે આપણા દેશ અને રાજ્યને શોધીએ છીએ. નકશાની રેખાઓ આપણને પર્વતો, સમુદ્રો, જંગલો અને નદીઓ તરફ લઈ જાય છે.

નકશાની શોધખોળ ઘણીવાર એક રમત બની જાય છે. એક સ્થળ શોધતા શોધતા આપણે બીજા સ્થળ પર પહોંચી જઈએ છીએ, અને આખરે સમગ્ર વિશ્વમાં ખોવાઈ જઈએ છીએ. કોલંબસ અને વાસ્કો દ ગામા જેવા સંશોધકો પણ આ રમતથી મોહિત થયા હતા.

જેમ જેમ આપણે નકશામાં અજાણ્યા સ્થળોના નામ વાંચીએ છીએ, તેમ તેમ તે સ્થાનો વિશે જાણવાની ઉત્સુકતા વધે છે. ત્યાં રહેતા લોકો, તેમની જીવનશૈલી, પર્વતોની પેલે પાર શું છે, જેવા સવાલો મનમાં ઉઠે છે. આવી કલ્પનાઓએ ઘણા સાહસિક મુસાફરોને અભિયાનો પર જવા પ્રેર્યા છે.

જો તમારી પાસે નકશો છે અને મુસાફરી કરવાની ઈચ્છા છે, તો પાસપોર્ટ કે વિઝા વિના પણ તમે દુનિયાની મુસાફરીનો અનુભવ લઈ શકો છો. આગલી વખતે આવી કાલ્પનિક મુસાફરી કરો, ત્યારે ટોગો જવાનું યાદ રાખજો.