દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશીએ એક્ટિંગને કરિયર બનાવવા માટે પરિવારને મનાવવામાં છથી આઠ મહિના લગાડ્યા. મુંબઈ આવી ત્યારે તેમની પાસે ન તો કોઈ ગોડફાધર હતો, ન કોઈ ફિલ્મી લોન્ચ. નાના પીજીમાં ચાર છોકરીઓ સાથે રહીને તેમણે ઓડિશન આપવાનું શરૂ કર્યું.
હુમાએ સૌપ્રથમ જાહેરાતોથી કારકિર્દીની શરૂઆત કરી. પહેલી જાહેરાત માટે તેમને ફક્ત પાંચ હજાર રૂપિયા મળ્યા. આ પછી તેમણે આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે જાહેરાતોમાં કામ કર્યું. એક મોબાઈલ એડના સેટ પર અનુરાગ કશ્યપ સાથે થયેલી મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું.
ગેંગ્સ ઓફ વાસેપુરથી હુમાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, પરંતુ આ ફિલ્મ માટે તેમને માત્ર 65,000 રૂપિયા મળ્યા. ફિલ્મ હિટ થઈ, પણ હુમાનો સંઘર્ષ ખતમ ન થયો. બોડી શેમિંગ, રિજેક્શન અને ટ્રોલિંગનો સામનો તેમણે કરવો પડ્યો. આજે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે.