સત્ય. સાહસ. સંકલ્પ.

કપડાં ધોવાનો ખર્ચ વધ્યો: HULએ વ્હીલ, સર્ફ એક્સેલ અને રિનના ભાવ વધાર્યા

કપડાં ધોવાનો ખર્ચ વધ્યો: HULએ વ્હીલ, સર્ફ એક્સેલ અને રિનના ભાવ વધાર્યા

દેશના સામાન્ય લોકો પર મોંઘવારીનો ભાર સતત વધી રહ્યો છે. ખાદ્યપદાર્થો અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પહેલેથી ઊંચા છે, ત્યારે હવે ઘરવપરાશની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. ગૃહિણીઓ માટે એક વધુ માઠા સમાચાર છે — હવે કપડાં ધોવાનો ખર્ચ પણ વધી ગયો છે.

દેશની અગ્રણી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવર (HUL)એ ઓક્ટોબર મહિનાથી તેના લોકપ્રિય ડિટર્જન્ટ પાવડર અને સાબુના ભાવમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, HULએ તેની જાણીતી બ્રાન્ડ્સ — વ્હીલ, સર્ફ એક્સેલ અને રિન —ના વિવિધ પેકિંગના ભાવમાં 2.2%થી 7.1% સુધીનો વધારો કર્યો છે. નોંધનીય છે કે ચાલુ વર્ષમાં આ ઉત્પાદનોના ભાવમાં આ પહેલો વધારો નથી. અગાઉ પણ 2થી 4 વખત ભાવવધારો કરવામાં આવ્યો છે.

ડિટર્જન્ટ પાવડરના નવા ભાવની વિગતો:

વ્હીલ પાવડર (Wheel): 1 કિલો પેકેટની કિંમત 90 રૂપિયાથી વધીને 93 રૂપિયા થઈ છે. 500 ગ્રામના પેકેટનો ભાવ 46 રૂપિયાથી વધીને 47 રૂપિયા થયો છે.

સર્ફ એક્સેલ ઇઝી વોશ (Surf Excel Easy Wash): 1 કિલો પેકેટની કિંમત 167 રૂપિયાથી વધીને 172 રૂપિયા થઈ છે. 500 ગ્રામના પેકેટની કિંમત 85 રૂપિયાથી વધીને 87 રૂપિયા થઈ છે.

રિન પાવડર અને અલા (Rin): રિન પાવડરના 1 કિલો પેકેટનો ભાવ 120 રૂપિયાથી વધીને 123 રૂપિયા થયો છે, જ્યારે 500 ગ્રામના પેકેટની કિંમત 61 રૂપિયાથી વધીને 63 રૂપિયા થઈ છે. રિન અલાના 500 મિલી પેકેટનો ભાવ 90 રૂપિયાથી વધીને 95 રૂપિયા થયો છે.

અગાઉ પણ વ્હીલ પાવડરના ભાવમાં 10 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ જ વર્ષમાં સર્ફ એક્સેલના ભાવમાં લગભગ 11 રૂપિયાનો અને રિનના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો હતો.

સામાન્ય જનતા અને ગૃહિણીઓ પર અસર:

વ્હીલ, રિન અને સર્ફ એક્સેલ જેવી પ્રોડક્ટ્સ ભારતના મોટાભાગના ઘરોમાં રોજબરોજ વપરાય છે. આથી આ ભાવવધારાની સીધી અસર મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટ પર પડશે. ખાસ કરીને એવા પરિવારો કે જે મહિનાનું રાશન એકસાથે લાવે છે અને ડિટર્જન્ટના મોટા પેકેટ ખરીદે છે, તેમના ઘરખર્ચમાં આગામી દિવસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

શા માટે વારંવાર વધી રહ્યા છે ભાવ?

ડિટર્જન્ટ કંપનીઓ દ્વારા કરવામાં આવતા આ સતત ભાવવધારા પાછળનું મુખ્ય કારણ કાચા માલ અને પેકેજિંગના ખર્ચમાં થયેલો મોટો વધારો છે. ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડિટર્જન્ટ બનાવવા માટે વપરાતા પામ તેલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 20%થી 30%નો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, પેકેજિંગના ખર્ચમાં પણ 50% જેટલો વધારો નોંધાયો છે.

મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આની સીધી અસર વૈશ્વિક પરિવહન અને ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે. પરિણામે, કંપનીઓએ પોતાનો નફો જાળવી રાખવા માટે ઉત્પાદન ખર્ચનો આ બોજ ગ્રાહકો પર નાખવો પડ્યો છે.