બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદે તેમના સંબંધના પાંચ વર્ષ પૂરા થવાની ઉજવણી કરી છે. આ ખાસ દિવસે હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર સબા સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં બંને દરિયાકિનારે સૂર્યાસ્તના સમયે એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. અન્ય એક ફોટામાં બંને નદીકિનારે બેસીને સેલ્ફી લેતા દેખાય છે. વધુમાં, લંડનના મેફેર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક બ્રિટિશ પબ 'ધ મેસન્સ આર્મ્સ'માં બિયર પીતા અને હેલિકોપ્ટરની સવારી કરતા પણ બંને જોવા મળ્યા છે.
આ ફોટા સાથે હૃતિકે લખ્યું, 'આ અમારો બર્થ ડે છે. મારી જાન, 5મી એનિવર્સરી મુબારક.'
હૃતિકની પોસ્ટ પર ચાહકો અને સેલેબ્સે પ્રેમ વરસાવ્યો છે. તેમની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ કમેન્ટ કરી છે. સુઝેને લખ્યું, 'સો સ્વીટ... હેપી એનિવર્સિરી.' સાથે તેણે હાર્ટ અને લવ ઇમોજી પણ શેર કર્યા.
આ પહેલીવાર નથી કે સુઝેન અને સબા-હૃતિક વચ્ચે આત્મિયતા જોવા મળી હોય. આ વર્ષે હૃતિકના 52માં જન્મદિવસે તેણે યૉટ પાર્ટી આપી હતી, જેમાં તે ગર્લફ્રેન્ડ સબા અને એક્સ-વાઇફ સુઝેન સહિત મિત્રો સાથે વેકેશન પર ગયો હતો. પાર્ટીના ફોટામાં તે બંને સાથે હસીખુશીથી જન્મદિવસ ઉજવતો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા હૃતિકના નામનો એક સ્ક્રીનશોટ વાયરલ થયો હતો, જે 'રાયા' નામની સેલિબ્રિટી ડેટિંગ એપનો હોવાનો દાવો કરાયો હતો. તેમાં હૃતિકની પ્રોફાઇલ હતી, જેમાં 'એક્ટર/પ્રોડ્યુસર/એન્ટરપ્રેન્યોર' લખેલું હતું. આ સ્ક્રીનશોટ વાયરલ થયાના થોડા સમય પહેલા જ હૃતિકની કથિત એક્સ-ગર્લફ્રેન્ડ અને ભાજપ સાંસદ કંગના રનૌતે હૃતિક-સબાના સંબંધો પર નિશાન સાધ્યું હતું, જેના કારણે યુઝર્સમાં ચર્ચા થઈ હતી.
હૃતિક અને સબાના ડેટિંગની ચર્ચા ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ હતી, જ્યારે બંને ડિનર ડેટ્સ અને કરણ જોહરની 50મી બર્થ ડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. બાદમાં બંને હૃતિકની એક્સ-વાઇફ સુઝેન અને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પણ જોવા મળ્યા હતા. હૃતિક સબા કરતા 17 વર્ષ મોટો છે.
હૃતિકના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા, જેમણે 2014માં છૂટાછેડા લીધા હતા. બંનેના દીકરાઓ રેહાન અને રિદાન છે. સુઝેન 2022થી અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.