સત્ય. સાહસ. સંકલ્પ.

ટેપ એન્ડ પે કેવી રીતે કામ કરે છે? મશીન પાસે લઈ જતાં જ પૈસા કપાઈ જવા પાછળનું વિજ્ઞાન

ટેપ એન્ડ પે કેવી રીતે કામ કરે છે? મશીન પાસે લઈ જતાં જ પૈસા કપાઈ જવા પાછળનું વિજ્ઞાન

ટેકનોલોજીના વ્યાપ સાથે પેમેન્ટની રીતો બદલાઈ છે. રોકડથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ સુધી, અને હવે UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ સામાન્ય બન્યું છે. પરંતુ ઘણા લોકો કાર્ડથી પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પહેલાં કાર્ડ સ્વાઇપ કરીને પિન નાખવો પડતો હતો, હવે નવી ટેકનોલોજી આવી છે જેમાં કાર્ડને મશીન પાસે લઈ જતાં જ સેકન્ડમાં પેમેન્ટ પૂરું થઈ જાય છે. આ સિસ્ટમને 'ટેપ એન્ડ પે' અથવા 'કોન્ટેક્ટલેસ પેમેન્ટ' કહેવાય છે. શું તમે જાણો છો કે કાર્ડને મશીન સાથે અડ્યા વગર અને પિન નાખ્યા વગર પૈસા કેવી રીતે કપાઈ જાય છે? ચાલો સમજીએ આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને શું તે સુરક્ષિત છે.

ટેપ એન્ડ પે પાછળ 'NFC' એટલે કે 'નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન' ટેકનોલોજી કામ કરે છે. આ સિસ્ટમ બ્લૂટૂથ કે વાઇ-ફાઇ જેવી જ છે, પરંતુ તેની રેન્જ ખૂબ જ ઓછી હોય છે. તમારા કાર્ડ પર વાઇ-ફાઇ જેવો નાનો સિમ્બોલ જોવા મળશે. આનો અર્થ એ છે કે કાર્ડની અંદર એક ઝીણું એન્ટેના અને નાની માઇક્રોચિપ હોય છે.

જ્યારે દુકાનદાર પેમેન્ટ મશીન (POS) માં રકમ દાખલ કરીને તેને સક્રિય કરે છે, ત્યારે મશીન આસપાસ રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ છોડે છે. જ્યારે તમારું કાર્ડ અથવા NFC સપોર્ટેડ ફોન મશીનથી 2 થી 4 સેન્ટિમીટરના અંતરે આવે છે, ત્યારે કાર્ડનું એન્ટેના મશીનના તરંગોથી પાવર મેળવે છે અને ચિપ સક્રિય થઈ જાય છે. પછી કાર્ડ હવામાં જ પોતાનો ડેટા મશીન સુધી મોકલે છે અને કનેક્શન સ્થપાય છે.

સુરક્ષા માટે, કાર્ડ પેમેન્ટ મશીનને ક્યારેય 16 અંકનો અસલી કાર્ડ નંબર મોકલતું નથી. તેના બદલે દરેક પેમેન્ટ માટે એક નવો સિક્રેટ કોડ (વન-ટાઇમ ટોકન) બનાવીને મોકલે છે. મશીન આ કોડ સીધો બેંકના સર્વરને મોકલે છે. બેંકનું કમ્પ્યુટર સેકન્ડના દશમા ભાગમાં કોડ સાચો છે કે નહીં અને ખાતામાં પૂરતું બેલેન્સ છે કે નહીં તે ચકાસે છે. બધું યોગ્ય હોય તો બેંક મંજૂરી આપે છે, મશીનમાંથી 'બીપ' વાગે છે અને પૈસા કપાઈ જાય છે. RBIના નિયમ મુજબ ₹5,000 સુધીના પેમેન્ટ પર પિન નાખવાની જરૂર નથી. જો બિલ ₹5,000થી વધુ હોય, તો કાર્ડ ટેપ કરી શકાય છે, પરંતુ પૈસા ત્યારે જ કપાશે જ્યારે પિન દાખલ કરશો.

શું ખિસ્સામાં રહેલા કાર્ડમાંથી કોઈ પૈસા ચોરી શકે? સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થાય છે જેમાં વ્યક્તિ હાથમાં મશીન લઈને લોકોના ખિસ્સા પાસે અડાડીને પૈસા કાઢી લેતી બતાવવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આવું થવું લગભગ અશક્ય છે. NFC ટેકનોલોજી ત્યારે જ કામ કરે છે જ્યારે કાર્ડ અને મશીન વચ્ચેનું અંતર 4 સેન્ટિમીટરથી ઓછું હોય અને કાર્ડ ચોક્કસ એંગલ પર હોય. વધુમાં, પર્સમાં રાખેલા અન્ય કાર્ડ્સ, સિક્કા કે કાગળો સિગ્નલ બ્લોક કરે છે. આ ઉપરાંત, પેમેન્ટ મશીન હંમેશા બેંકના વેરિફાઇડ એકાઉન્ટ સાથે લિંક હોય છે, જેથી કોઈ ચોર પોતાની ઓળખ છુપાવીને દુરુપયોગ કરી શકે નહીં.

તેમ છતાં, સંપૂર્ણ સુરક્ષા માટે તમે તમારી બેંકની મોબાઇલ એપમાં જઈને ટેપ એન્ડ પેની લિમિટ ઘટાડી શકો છો અથવા જરૂર ન હોય ત્યારે આ ફીચર બંધ પણ રાખી શકો છો.