સત્ય. સાહસ. સંકલ્પ.

રિયાધ પર હુથી બળવાખોરોનો મિસાઇલ હુમલો, સાઉદી ડિફેન્સે આકાશમાં જ તોડી પાડી

રિયાધ પર હુથી બળવાખોરોનો મિસાઇલ હુમલો, સાઉદી ડિફેન્સે આકાશમાં જ તોડી પાડી

યમનની રાજધાની સના પર સાઉદી અરેબિયાના હવાઈ હુમલાના એક દિવસ બાદ, ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ શનિવારે (8 નવેમ્બર, 2026) સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ તરફ બે બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને જણાવ્યું કે આ બંને મિસાઇલોને આકાશમાં જ આંતરીને નષ્ટ કરી દેવામાં આવી છે.

મિસાઇલોને રોકવાની કાર્યવાહી પહેલાં રિયાધ શહેરમાં ભયાનક ધડાકા સંભળાયા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, વિસ્ફોટોના થોડા સમય પહેલાં સાઉદી સિવિલ ડિફેન્સ વિભાગે સમગ્ર રિયાધ વિસ્તારમાં ચેતવણી જાહેર કરી હતી. થોડા સમય બાદ પરિસ્થિતિ કાબૂમાં આવતાં અધિકારીઓએ જાહેરાત કરી કે જોખમ ટળી ગયું છે.

સાઉદી ગઠબંધનના જણાવ્યા અનુસાર, રિયાધ અને દેશના દક્ષિણ વિસ્તાર તરફ છોડાયેલી બે ક્રૂઝ મિસાઇલોને પણ ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી.

આ મિસાઇલ હુમલો એવા સમયે થયો છે જ્યારે માત્ર એક દિવસ પહેલાં જ હુથી નિયંત્રિત યમનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે રાજધાની સના નજીક સાઉદી અરેબિયાની એર સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા છે. સાઉદી સત્તાવાળાઓએ આ ઘટના અંગે જણાવ્યું છે કે તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.