યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં સંરક્ષણ મંત્રાલય અને દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી રાસ તાનુરા પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યાનો દાવો કર્યો છે. જોકે, સાઉદી ગઠબંધન સેનાએ જણાવ્યું છે કે તેમણે રિયાધ તરફ છોડવામાં આવેલી બે અને પૂર્વીય પ્રાંત તરફ આવેલી એક મળીને કુલ ત્રણ મિસાઈલોને હવામાં જ નિષ્ફળ બનાવી દીધી હતી.
હુથી બળવાખોરોના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરિયાના જણાવ્યા અનુસાર, તેમણે રિયાધમાં આવેલા સાઉદીના સંરક્ષણ મંત્રાલયને સીધું નિશાન બનાવ્યું હતું. આ ઉપરાંત, બળવાખોરોએ નજરાન એરપોર્ટ પરના બે સૈન્ય પરિવહન વિમાનો અને ખમીસ મુશૈત સ્થિત એરબેઝને પણ નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. રિયાધમાં ધમાકાના અવાજ બાદ સ્થાનિક રહીશોને સલામત સ્થળે ખસી જવા મોબાઈલ એલર્ટ મોકલવામાં આવ્યા હતા.
હુથી જૂથે દાવો કર્યો છે કે, તેમણે પર્શિયન અખાત કિનારે આવેલી સાઉદીની સૌથી મોટી રાસ તાનુરા તેલ રિફાઇનરી પર પણ મિસાઈલથી હુમલો કર્યો હતો, જેનાથી ત્યાં મોટી આગ લાગી હતી. આ રિફાઇનરી દૈનિક 550,000 બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. બ્લૂમબર્ગ અને દરિયાઈ સુરક્ષા એજન્સી વાનગાર્ડના અહેવાલ મુજબ, આગ પર વહેલી સવારે જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ હુમલા અંગે સાઉદી સત્તાવાળોએ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ઈજિપ્તની સંસદે પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સિસિની વિનંતી પર સાઉદી અરેબિયાને રક્ષણાત્મક સૈન્ય સમર્થન આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા હુથી નેતા મોહમ્મદ અલી અલ-હુથીએ જણાવ્યું હતું કે, ઈજિપ્તનો આ નિર્ણય યમન સામે 'યુદ્ધની જાહેરાત' સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે તેમનું જૂથ કોઈ પણ પ્રકારના ગઠબંધનથી ડરતું નથી.
સપ્ટેમ્બર મહિનાથી હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલા તીવ્ર બનાવ્યા છે, જેના કારણે રિયાધ એરપોર્ટ પણ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને હાલમાં જ મક્કામાં સંરક્ષણ કરાર કર્યા છે. મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે આ ઘટનાક્રમથી આખા પ્રદેશમાં મોટી યુદ્ધની સ્થિતિ સર્જાવાની આશંકા વધી ગઈ છે.