સાઉદી અરેબિયા અને હુથી બળવાખોરો વચ્ચેનું ઘર્ષણ વધુ ઉગ્ર બન્યું છે. હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ત્રણ ક્રૂઝ મિસાઇલો વડે હુમલો કર્યાનો દાવો કર્યો છે. જોકે, આ હુમલાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને થયેલા નુકસાન અંગે પણ કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી.
અગાઉ હુથી બળવાખોરોના સતત હુમલાઓને કારણે આ એરપોર્ટ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ તે ફરી શરૂ થયું છે, પરંતુ હાલમાં માત્ર ગણતરીના ટર્મિનલ જ કાર્યરત છે.
બીજી તરફ, હુથી સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું કે, લાલ સમુદ્રના કિનારે વસેલા યાનબુ શહેરના બંદર પર આવેલા ઓઈલ પમ્પિંગ સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે પવિત્ર મક્કા શહેર પર હુમલો કરવાના પ્રયાસ અંગેના સાઉદી અરેબિયાના દાવાને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો કે, સાઉદી અરેબિયા યુદ્ધની શરૂઆતથી જ આવા ખોટા દાવાઓ કરી રહ્યું છે.
આ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે સાઉદી પ્રશાસને તાઈફ, યાનબુ અને ખામિસ મુશૈત શહેરો માટે જોખમનું એલર્ટ જાહેર કર્યું છે અને ત્યાં વસતા નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા સૂચના આપી છે.
સાઉદી અરેબિયાની સેનાએ દાવો કર્યો છે કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમે સતત બીજા દિવસે હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી ત્રણ ક્રૂઝ મિસાઇલોને હવામાં જ તોડી પાડીને નિષ્ફળ બનાવી છે. સામે પક્ષે હુથી સંગઠને સાઉદીના અનેક મહત્વપૂર્ણ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રવિવારે પણ હુથી બળવાખોરોએ રિયાધ સ્થિત તેલ કંપની 'અરામકો'ની બહુમાળી કોર્પોરેટ ઓફિસ પર મિસાઇલ હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા આ સંઘર્ષમાં હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના મહત્વના મથકો પર ડઝનબંધ હુમલા કર્યા છે, જ્યારે સાઉદી અરેબિયાએ પણ વળતો પ્રહાર કરતા હુથીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારની રાજધાની સના સહિત અન્ય શહેરો પર હવાઈ હુમલા કરીને 100થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.