સત્ય. સાહસ. સંકલ્પ.

હૂથીઓનો સાઉદી અરબના લશ્કરી મથક પર મોટો હુમલો, જીઝાનમાં બે ઘાયલ

હૂથીઓનો સાઉદી અરબના લશ્કરી મથક પર મોટો હુમલો, જીઝાનમાં બે ઘાયલ

યમનના ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરબના સરહદી વિસ્તાર શારુરાહમાં આવેલા લશ્કરી મથક પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કરવાનો દાવો કર્યો છે. આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં સુરક્ષા અંગેની ચિંતાઓ ફરી ઘેરી બની છે.

હૂથી જૂથના લશ્કરી પ્રવક્તા યાહિયા સારીએ જણાવ્યું કે તેમણે શારુરાહ સ્થિત લશ્કરી બેઝના શસ્ત્ર ભંડાર તેમજ કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવ્યા હતા. હૂથીઓના દાવા મુજબ, આ હુમલામાં મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તમામ લક્ષ્યો પર સચોટ પ્રહાર કરવામાં આવ્યા હતા.

યાહિયા સારીએ આ કાર્યવાહીને યમન સામે સાઉદી અરેબિયાના સતત સૈન્ય આક્રમણનો જવાબ ગણાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો સાઉદી અરેબિયા પોતાના હુમલા બંધ નહીં કરે, તો આગામી દિવસોમાં સાઉદી અરબના આંતરિક અને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ ઘાતક પ્રહારો કરવામાં આવશે.

બીજી તરફ, સાઉદી સિવિલ ડિફેન્સ મંત્રાલયે હૂથી હુમલાને કારણે થયેલા નુકસાનની પુષ્ટિ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યમન તરફથી છોડવામાં આવેલું એક પ્રોજેક્ટાઈલ (મિસાઈલ અથવા રોકેટ) જીઝાન વિસ્તારમાં પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં એક મસ્જિદ, કેટલાંક રહેણાંક મકાનો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

દરમિયાન, રાતા સમુદ્રના પ્રવેશદ્વાર સમાન બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ નજીક આવેલા વ્યૂહાત્મક મયૂન (પેરિમ) ટાપુ અને યમનના મોખા બંદર વિસ્તારમાં પણ હૂથી વિદ્રોહીઓની ગતિવિધિઓને પગલે સ્થિતિ તંગ બની છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધને મોખા એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં વળતા પ્રહારો કર્યા હોવાના પણ અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે રાતા સમુદ્રનો આ વિસ્તાર વૈશ્વિક ઓઈલ અને ગેસ ટેન્કરોના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ પોઈન્ટ ગણાય છે.