સત્ય. સાહસ. સંકલ્પ.

હુથી હુમલાથી સાઉદી અરેબિયામાં ઇમરજન્સી, રિયાધ સુધી પહોંચ્યા હુમલા

હુથી હુમલાથી સાઉદી અરેબિયામાં ઇમરજન્સી, રિયાધ સુધી પહોંચ્યા હુમલા

રિયાધ: યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધે હવે સાઉદી અરેબિયાના ઘરઆંગણે પ્રવેશ કર્યો છે. હુથી વિદ્રોહીઓએ રિયાધ સુધી હુમલા કર્યા બાદ સાઉદી સરકારે ઇમરજન્સી જાહેર કરી છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે સાઉદી અરેબિયાએ યમનની સરકારી સેનાને સમર્થન આપીને હુથીઓ સામે લડવાનો જે નિર્ણય લીધો હતો, તે હવે તેના પોતાના દેશમાં જોખમ ઊભું કરી રહ્યો છે.

ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, હુથીઓએ યમનના રણમાં સાઉદી સેનાનો સામનો કરવા માટે ભારે લશ્કરી વાહનોને બદલે ટોયોટા પિકઅપ ટ્રકનો ઉપયોગ કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં યમનમાં લગભગ ૪૦,૦૦૦ ટોયોટા પિકઅપ ટ્રક પહોંચી છે, જેમાં ગયા વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ટોયોટા લેન્ડ ક્રુઝર મોડેલની હુથીઓમાં ભારે માંગ છે. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં હુથી લડવૈયાઓ હજારો ટોયોટા ગાડીઓ સાથે યુદ્ધનું એલાન કરતા જોવા મળે છે. આ પિકઅપ ટ્રકની ખાસિયત એ છે કે તે મજબૂત બનાવટવાળી હોય છે અને તેનો પાછળનો ભાગ ખુલ્લો હોય છે, જેથી તેના પર ભારે મશીનગન કે રોકેટ લોન્ચર લગાવી શકાય છે.

આ દરમિયાન, અમેરિકા-ઇરાન સંઘર્ષના પગલે સાઉદી અરેબિયામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન લગભગ સાડા ત્રણ દાયકાના તળિયે પહોંચ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં યુદ્ધ શરૂ થયા પછી સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં પહેલાની તુલનાએ ૩.૮૬ મિલિયન બેરલ પ્રતિ દિન (એમબી-ડી)નો ઘટાડો થયો છે. નવેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચે ઉત્પાદન પ્રતિ દિન ૧૦.૧ એમબી-ડી પર સ્થિર હતું, જે માર્ચમાં ઘટીને ૭.૭૬ એમબી-ડી અને ઓગસ્ટમાં વધુ ઘટીને ૬.૨૪ એમબી-ડી થયું. આ ૧૯૯૦ પછીનું સૌથી નીચું સ્તર છે.

આ દરમિયાન ઇરાને ઇઝરાયેલ વતી જાસૂસી કરીને તેના સંવેદનશીલ મથકોની માહિતી આપનારા પેદ્રમ નામના વ્યક્તિને ફાંસીએ લટકાવી દીધો છે. ઇઝરાયેલના ગાઝા પરના હુમલામાં બે લોકોના મોત થયા છે. હાલમાં ગાઝાનો ૭૦થી ૭૫ ટકા હિસ્સો ઇઝરાયેલ પાસે છે અને તેના સંરક્ષણ પ્રધાન કાત્ઝના જણાવ્યા મુજબ લગભગ ૨૦ લાખ ગાઝાવાસીઓને બળજબરીથી આ જમીન પરથી કાઢી મૂકાશે અને તેના પર ઇઝરાયેલ સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપશે. જો કે ઇજિપ્તે તેનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત ગાઝામાં નિરાશ્રિતોના કેમ્પમાં ૨,૮૦,૦૦૦ બાળકો યુએનના ટેન્ટમાં અભ્યાસ કરે છે.