સત્ય. સાહસ. સંકલ્પ.

સાઉદી અરેબિયા પર હુથી હુમલાનો દાવો: એરપોર્ટ અને ઓઈલ રિફાઈનરીઓ નિશાના પર

સાઉદી અરેબિયા પર હુથી હુમલાનો દાવો: એરપોર્ટ અને ઓઈલ રિફાઈનરીઓ નિશાના પર

યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના પાંચથી વધુ મહત્ત્વના વ્યૂહાત્મક અને ઊર્જા મથકો પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાનો દાવો કર્યો છે. જોકે, સાઉદી અરેબિયા તરફથી આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ કે નુકસાનની વિગતો જાહેર થઈ નથી.

હુથીઓના નિવેદન મુજબ, તેમણે રાજધાની રિયાધનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, દમ્મામનું કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, નજરાન એરપોર્ટ અને ખમીસ મુશૈત એરબેઝને નિશાન બનાવ્યા છે. ઉપરાંત લાલ સમુદ્ર કિનારે આવેલા યાનબુમાં સાઉદી અરામકો પ્લાન્ટ અને રાબિગ ઓઈલ રિફાઈનરી પર પણ હુમલો કરવાનો દાવો કર્યો છે.

સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, પવિત્ર શહેરો મક્કા અને મદીના તરફ છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. તેમનો કાટમાળ મક્કા નજીકના વાદી અલ-મુગમસ વિસ્તારમાં પડ્યો હતો. તાઈફના વાદી જલીલ, જેદ્દાહના અલ-નુઝા વિસ્તાર અને રાબિગ સ્થિત મસ્તૌરા સેન્ટરમાં પણ તોડી પડાયેલી મિસાઈલોનો કાટમાળ પડ્યો હોવાની માહિતી સિવિલ ડિફેન્સે આપી છે.

જો આ હુમલાની પુષ્ટિ થશે તો મધ્ય પૂર્વમાં ફરી એક મોટો સૈન્ય સંઘર્ષ ભડકી શકે છે. સાઉદી અરેબિયા વિશ્વના અગ્રણી ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશોમાંનો એક હોવાથી તેના તેલ મથકો અને એરપોર્ટ પર જોખમ ઊભું થતાં વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાઈ જવાની અને તેલના ભાવ વધવાની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હુથી યમનનું સશસ્ત્ર સંગઠન છે, જે 'અંસાર અલ્લાહ' તરીકે પણ ઓળખાય છે. તે યમનની રાજધાની સના સહિત દેશના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. હુથીઓનો આરોપ છે કે યમનમાં સાઉદી સૈન્ય હસ્તક્ષેપને કારણે સામાન્ય લોકોને ભોગ બનવું પડ્યું છે. સાઉદી અરેબિયા આ જૂથની વધતી સૈન્ય તાકાતને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે.

પશ્ચિમ એશિયામાં પ્રભાવ માટે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી છે. ઈરાનને હુથીઓનું મુખ્ય પ્રાદેશિક સમર્થક માનવામાં આવે છે, જે તેમને હથિયાર, ટેકનિકલ સહાય અને ડ્રોન ટેકનોલોજી પૂરી પાડતું હોવાના આક્ષેપો છે. આ પ્રાદેશિક હરીફાઈને કારણે યમનનું આંતરિક યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વ માટે સુરક્ષાનો મોટો પ્રશ્ન બની ગયું છે.