યમનના ઈરાન સમર્થિત હુથી લડવૈયાઓએ સાઉદી અરેબિયાના ત્રણ ઍરપૉર્ટ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. નજરાન, જિઝાન અને અભા ઍરપૉર્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા. સોમવારે થયેલા આ હુમલામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. સાઉદી સત્તાવાળાઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે.
હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમની બેલેસ્ટિક મિસાઇલ ચોક્કસ નિશાન પર લાગી હતી, જેના કારણે ઍરપૉર્ટ પર હવાઈ અવરજવર ખોરવાઈ ગઈ હતી. હુથીઓએ સાઉદીના તેલ મથકો, સૈન્ય મથકો અને ઍરપૉર્ટ પર પ્રહાર કરવાની જાહેરાત કર્યાના થોડા કલાકોમાં જ આ હુમલા શરૂ થઈ ગયા હતા.
નજરાન અને જિઝાન ઍરપૉર્ટ પર હુમલા બાદ હુથીઓએ સાઉદી અરેબિયાના અસીર પ્રાંતમાં આવેલા ત્રીજા મહત્વપૂર્ણ ઍરપૉર્ટ 'અભા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ' પર પણ હુમલો કરવાનો દાવો કર્યો છે.
આ સાથે જ હુથીઓએ વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓને ચેતવણી આપી છે કે સાઉદીનું એરસ્પેસ હવે તેમના લશ્કરી અભિયાનોનું કેન્દ્ર બની ગયું છે, તેથી ત્યાં વિમાનો ઉડાડવાનું જોખમી સાબિત થઈ શકે છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી સહયોગ છતાં હુથીઓ પર તેનો કોઈ ડર દેખાઈ રહ્યો નથી. બંને દેશો વચ્ચેના 'મક્કા પેક્ટ' હેઠળ પાકિસ્તાની દળો સાઉદીની સુરક્ષામાં ગોઠવાઈ ગયા હોવાના અહેવાલો વચ્ચે પણ હુથી લડાકુઓ બેફામ હુમલા કરી રહ્યા છે. સંરક્ષણ વિશ્લેષકોના મતે, હુથીઓ પાસે યમનથી જ ડ્રોન અને મિસાઇલ છોડવાની ક્ષમતા તથા સંપૂર્ણ સ્વાયત્ત કમાન્ડ સિસ્ટમ છે. પાકિસ્તાન સાઉદીની આંતરિક સુરક્ષામાં ભાગીદાર બન્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પાકિસ્તાની સૈન્ય યમનમાં જઈને સીધા હુથીઓ સામે લડી રહ્યું છે. આ સુરક્ષા કરારની હુથીઓની પ્રહાર ક્ષમતા પર તાત્કાલિક કોઈ અસર થઈ નથી અને હુથીઓ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે તેઓ આ સંઘર્ષમાં પાછળ હટવા તૈયાર નથી.