સત્ય. સાહસ. સંકલ્પ.

હુથી બળવાખોરોનો સાઉદીમાં એરપોર્ટ, એરબેઝ અને રિફાઈનરી પર હુમલો, 73 ઘાયલ

હુથી બળવાખોરોનો સાઉદીમાં એરપોર્ટ, એરબેઝ અને રિફાઈનરી પર હુમલો, 73 ઘાયલ

પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબના એરપોર્ટ, એરબેઝ અને ઓઈલ રિફાઈનરીઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલામાં 73થી વધુ લોકો ઘાયલ થયા છે.

સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે, હુથી બળવાખોરોએ મંગળવારે દક્ષિણ વિસ્તારમાં આવેલી ઓઈલ સુવિધાઓ અને યુટિલિટી સેન્ટરો પર હુમલો કર્યો, જેના કારણે આગ લાગી હતી. હુથી બળવાખોરોએ દાવો કર્યો કે, તેઓએ આભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કિંગ ખાલિદ એરબેઝ અને આભા તથા જિજાનમાં અરામકોની રિફાઈનરીઓને નિશાન બનાવી હતી.

આ હુમલા બાદ સાઉદી અરબ અને હુથી બળવાખોરો વચ્ચે ચાર વર્ષથી ચાલતો યુદ્ધવિરામ જોખમમાં મૂકાયો છે. હુથી બળવાખોરોએ કહ્યું કે, સાઉદી અરબે યમનના જાવ્ફ પ્રાંતમાં એક જેલ પર હવાઈ હુમલો કર્યો, જેમાં એક બાળક સહિત સાત લોકો માર્યા ગયા અને સાત ઘાયલ થયા. આના જવાબમાં હુથીઓએ સાઉદીના આભા, જઝાન, નિજરાન અને ખામિસ મુશ્કૈત શહેરો પર હુમલો કર્યો.

આ ઘટનાથી વૈશ્વિક અર્થતંત્ર પર અસર થવાની ભીતિ છે, કારણ કે લાલ સમુદ્ર અને એડનના અખાતને જોડતા બાબ અલ-મંદેબ જળમાર્ગ પાસે હુમલા થયા છે. આ માર્ગ પેટ્રોલિયમ પુરવઠા માટે મહત્વપૂર્ણ છે, તેથી ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે.

હુથી હુમલાના પગલે પાકિસ્તાન, તૂર્કી અને સાઉદી અરબ વચ્ચે થયેલો મક્કા કરાર પણ મુશ્કેલીમાં મૂકાયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરિફે હુમલાની ટીકા કરી છે, પરંતુ સાઉદીના સમર્થનમાં યમનમાં સૈન્ય કાર્યવાહી અંગે મૌન સેવ્યું છે.