સત્ય. સાહસ. સંકલ્પ.

એડનમાં રાષ્ટ્રપતિ ભવન અને એરપોર્ટ પર હુથી મિસાઈલ હુમલો, સાઉદી સેનાએ મદીના નજીક ડ્રોન તોડી પાડ્યું

એડનમાં રાષ્ટ્રપતિ ભવન અને એરપોર્ટ પર હુથી મિસાઈલ હુમલો, સાઉદી સેનાએ મદીના નજીક ડ્રોન તોડી પાડ્યું

યમનના હુથી બળવાખોરોએ શુક્રવારે એક સાથે અનેક સ્થળોએ હુમલા કર્યા છે. સાઉદી અને યમનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હુથીઓએ સાઉદી અરબના પવિત્ર શહેરો મક્કા અને મદીના તરફ એક વિસ્ફોટક ડ્રોન મોકલ્યું હતું. બીજી તરફ, દક્ષિણી યમનના એડન શહેરમાં રાષ્ટ્રપતિ ભવન (અલ-માશીક પેલેસ) અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલો ઝીંકવામાં આવી હતી.

સાઉદી અરબના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે મદીના તરફ આવી રહેલા હુથી ડ્રોનને હવામાં જ રોકીને નષ્ટ કરી દીધું છે. મદીનામાં પયગંબર સાહેબની મસ્જિદ (મસ્જિદ-એ-નબવી) આવેલી છે, જે ઇસ્લામના સૌથી પવિત્ર યાત્રાધામોમાંથી એક ગણાય છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્ટેમ્બર મહિનામાં પણ મક્કા વિસ્તાર નજીક આવી જ રીતે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.

યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત સરકારના મુખ્ય કેન્દ્ર ગણાતા એડનમાં હુથીઓએ મોટા પાયે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સૈન્ય પ્રવક્તાના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ ભવન પરિસર ઉપરાંત માનવીય સહાય માટે અત્યંત મહત્વપૂર્ણ એવા એડન એરપોર્ટ પર પણ બેલિસ્ટિક મિસાઈલો ઝીંકવામાં આવી હતી.

સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં બે મોટા વિસ્ફોટોના અવાજ સાંભળ્યાનું જણાવ્યું છે અને ત્યારબાદ ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ પહોંચી હતી. જોકે, આ હુમલામાં થયેલી જાનહાનિ કે નુકસાનની વિગતો હજુ સત્તાવાર રીતે સામે આવી નથી.

બીજી તરફ, હુથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને મદીના પર હુમલાના સાઉદી દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે હુથી જૂથનો હેતુ માત્ર સાઉદી અરબના સૈન્ય મથકો અને તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો છે અને મદીના તરફ કોઈ લશ્કરી ઓપરેશન ચલાવવામાં આવ્યું નથી.

આ વચ્ચે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરબ જતી તેમની ફ્લાઈટ્સ 14 નવેમ્બર સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં આ બંને કંપનીઓ નિયમિત રીતે સાઉદી અરબ માટે ફ્લાઈટોનું સંચાલન કરતી હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. ફ્લાઈટો રદ થવાને કારણે ઉમરાહ પર જનારા મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ ત્યાં અટવાયા છે.