સત્ય. સાહસ. સંકલ્પ.

હોસ્ટેલ ભોજનમાં જીવડાં અને ફૂડ પોઈઝનિંગ: રાજ્યભરમાં 328 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ, 14 બંધ

હોસ્ટેલ ભોજનમાં જીવડાં અને ફૂડ પોઈઝનિંગ: રાજ્યભરમાં 328 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ, 14 બંધ

એમ.જી હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. હોસ્ટેલમાં રહેતા છાત્રોની ફરિયાદ ઉઠી છે. ભોજનમાં જીવડું નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. એમ.જી વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફૂડ વિભાગે અનેક હોસ્ટેલમાં ચેક કર્યું હતું. ગઈકાલે સમરસ હોસ્ટેલમાં આરોગ્ય વિભાગે તપાસ કરી હતી. ગઈકાલે પણ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું હતું. સમરસ હોસ્ટેલમાં કાચી રોટલી જોવા મળી હતી.

આજે એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં રાજકોટની એમ.જી હોસ્ટેલમાં ગંદકી જોવા મળી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી 250 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલના રસોડામાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. હોસ્ટેલમાં રોટલીમાંથી આજે જીવાત નીકળી હતી. આ હોસ્ટેલમાં પણ એબીપી અસ્મિતા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. હોસ્ટેલના સ્ટોરેજ ફ્રિજમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. સડેલી ડુંગળી અને વાસી શાકભાજી જોવા મળી. એમ.જી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો હતો. તો પાણી જેવી છાશ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ અંદાજે 100થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પી.પી. સવાણી હોસ્ટેલ પરિસરમાં અંદાજે 2000 વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર થાય છે. રવિવારે રાત્રિભોજન લીધા બાદ અચાનક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકા જેવી તકલીફો શરૂ થઈ હતી. જોતજોતામાં 100 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતાં હોસ્ટેલ પ્રશાસનમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તુરંત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્ટેલના કિચનમાંથી રાંધેલા ખોરાક, કાચી ખાદ્યસામગ્રી તેમજ પીવાના પાણીના નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ બનાવ ફૂડ પોઈઝનિંગના લીધે બન્યો છે કે પાણીમાં કોઈ ખામી હતી, તેની સચોટ માહિતી લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર કિચન એરિયાની સ્વચ્છતાની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.

સુરતની પી. પી. સવાણી શાળાની હોસ્ટેલમાં થયેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ખોરાક અને ઔષધ નિયમન પ્રશાસને રાજ્યભરમાં બે દિવસથી સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી છે. આ ડ્રાઇવ અંતર્ગત 72 સરકારી, 56 અર્ધ-સરકારી અને 200 પ્રાઇવેટ મળીને કુલ 328 હોસ્ટેલ તથા કેન્ટીનમાં કડક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતા 99 હોસ્ટેલને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે ખાદ્યસામગ્રીના 125 નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા છે. અત્યંત અસ્વચ્છ અને અનહાઇજેનિક પરિસ્થિતિ ધરાવતી 14 હોસ્ટેલ-કેન્ટીનને સ્વયંભૂ બંધ કરાવવામાં આવી છે અને 1 સંસ્થાનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે. પ્રશાસને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે નાગરિકો અને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી અવિરતપણે ચાલુ રહેશે.

સુરતમાં બનેલી ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા પણ હરકતમાં આવી છે અને શહેરની સરકારી, અર્ધ-સરકારી તથા પ્રાઇવેટ મળીને 17 કોલેજોની કેન્ટીનમાં કડક ચેકિંગ હાથ ધર્યું છે. આ તપાસ દરમિયાન 8 કેન્ટીનમાં ભારે અસ્વચ્છતા જોવા મળતા તેમને શિડ્યુલ-4 ની નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 25 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો છે. યોગ્ય લાયસન્સ ન હોવાને કારણે તરસાલીની રવિશંકર મહારાજ ઉમા છાત્રાલય, દરજીપુરાની બે આદર્શ કન્યા શાળા અને જીએમઈઆરએસની ઇન્ટરન કોલેજની કેન્ટીનોને તાત્કાલિક અસરથી બંધ કરાવાઈ છે. આ ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટીની 4 કેન્ટીન, સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ઓ.પી. રોડ સ્થિત નર્સિંગ કોલેજ અને જીએમઈઆરએસની બે કેન્ટીનને પણ અસ્વચ્છતા મુદ્દે શિડ્યુલ-4 ની નોટિસ આપી ખુલાસો મંગાયો છે.

આણંદના વિદ્યાનગરમાં આવેલી રાણક ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે ઝેરી ખોરાકની અસર થતાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી હતી. હોસ્ટેલમાં રાત્રિનું ભોજન લીધા બાદ અંદાજિત 60થી પણ વધુ વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અચાનક ઝાડા-ઉલટી થતાં તબિયત લથડી હતી. આરોગ્યની સ્થિતિ બગડવા છતાં હોસ્ટેલ પ્રશાસને ડૉક્ટરને બોલાવી સમયસર સારવાર પૂરી પાડવામાં ઘોર બેદરકારી અને વિલંબ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો વિદ્યાર્થીનીઓએ લગાવ્યા હતા. ભોજનની હલકી ગુણવત્તા અને પ્રશાસનના સંવેદનહીન વલણને પગલે છાત્રોમાં ભારે રોષ અને હોબાળો મચી ગયો હતો.

પાટણના સમી સ્થિત મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્ટેલમાં રહેતા 100 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનાથી ગૃહપતિ કે રસોઈયા વગર માત્ર એક વોચમેનના ભરોસે અંધાધૂંધ વ્યવસ્થામાં રહેવા મજબૂર છે.