હોસ્પિટલમાં સારવાર કરાવતા દર્દી અને તેના પરિવાર માટે બિલનો બોજ હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. હવે આ બિલમાં ગણાતા મેડિકલ સામાનની કિંમતો પર પણ પ્રશ્નો ઉઠ્યા છે. મહારાષ્ટ્રમાં હોસ્પિટલોમાં વપરાતા મેડિકલ કન્ઝ્યુમેબલ્સના ભાવ સર્વેમાં ખરીદ કિંમત (ટ્રેડ પ્રાઇસ) અને છપાયેલી MRP વચ્ચે મોટો તફાવત મળી આવ્યો છે.
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સર્વેના આંકડા જાહેર કર્યા છે. તેમના જણાવ્યા મુજબ હોસ્પિટલોમાં વપરાતા ઘણા મેડિકલ પ્રોડક્ટ્સની ખરીદ કિંમત અને તેના પર છપાયેલી MRP વચ્ચે ઘણો મોટો ફરક છે.
₹11.05માં ખરીદવામાં આવેલા IV ઇન્ફ્યુઝન સેટ પર ₹325ની MRP છપાયેલી મળી. એ જ રીતે ₹6.75ની કિંમત ધરાવતી સિરીંજ પર ₹57.20ની MRP જોવા મળી. એક કેથેટરની ટ્રેડ પ્રાઇસ ₹29.41 હતી, જ્યારે તેના પર ₹310ની MRP છપાયેલી હતી. એટલે કે કેટલાક કિસ્સામાં ખરીદ કિંમત કરતાં MRP અનેક ગણી વધારે હતી.
તુકારામ મુંઢે જણાવ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે આ એવા પ્રોડક્ટ્સ છે, જે સારવાર દરમિયાન દર્દી ટાળી શકતો નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીને IV સેટ, સિરીંજ, કેથેટર અને બીજા મેડિકલ કન્ઝ્યુમેબલ્સની જરૂર પડે છે. આવી સ્થિતિમાં દર્દી પાસે ભાવ સરખાવવાનો સમય કે વિકલ્પ હોતો નથી. સારવાર દરમિયાન બીજા પ્રોડક્ટની પસંદગી કરવી પણ સહેલી નથી. એટલે સારવારમાં વપરાતા મેડિકલ પ્રોડક્ટની સાચી ખરીદ કિંમત કેટલી છે, તેની દર્દીને ખબર હોતી નથી.
તેમના જણાવ્યા મુજબ મેડિકલ પ્રોડક્ટ્સ પર છપાયેલી MRP ઘણીવાર ઉત્પાદક અને ડિસ્ટ્રિબ્યુટર પહેલેથી નક્કી કરે છે. આ કિંમત ટ્રેડ પ્રાઇસથી ઘણી અલગ હોઈ શકે છે, જે ભાવે પ્રોડક્ટ ખરીદવામાં આવે છે. આથી ટ્રેડ પ્રાઇસ અને MRP વચ્ચે મોટો તફાવત સર્જાય છે. બીજી બાજુ, જે દર્દી આ કિંમત ચૂકવે છે, તેના માટે આ તફાવત સમજવો કે ચકાસવો સહેલો નથી. એટલે પ્રોડક્ટની સાચી ખરીદ કિંમત અને દર્દી પાસેથી વસૂલાતી રકમ વચ્ચે પારદર્શિતાનો સવાલ ઊભો થાય છે.
મહારાષ્ટ્ર FDA કમિશનરે મેડિકલ સામાનની કિંમતો અંગેની હાલની નિયમનકારી વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે. Drugs Price Control Order, 2013 હેઠળ શેડ્યૂલ્ડ દવાઓ માટે ભાવની ટોચમર્યાદા (પ્રાઇસ સીલિંગ)ની જોગવાઈ છે. જોકે તેમના જણાવ્યા મુજબ મોટાભાગના મેડિકલ ડિવાઇસ અને કન્ઝ્યુમેબલ્સ આ સીધા ભાવ નિયંત્રણના દાયરામાં આવતા નથી.
આથી પ્રોડક્ટની ખરીદ કિંમત અને MRP વચ્ચે કેટલો તફાવત સ્વીકાર્ય ગણાય, તે અંગે સ્પષ્ટ નિયમોની જરૂર હોવાનું જણાવાયું છે. મહારાષ્ટ્ર FDAએ સર્વેના પરિણામોની સમીક્ષા કરવાની ભલામણ કરી છે. સાથે જ ટ્રેડ પ્રોક્યોરમેન્ટ પ્રાઇસ અને જાહેર MRP વચ્ચે સ્વીકાર્ય તફાવત માટે સ્પષ્ટ ગાઇડલાઇન બનાવવાની વાત કરી છે.