સત્ય. સાહસ. સંકલ્પ.

હોર્મુઝમાં 48 કલાકમાં બીજો હુમલો: ભારતીય નાવિકોવાળા ટેન્કર પર પ્રોજેક્ટાઈલથી હુમલો, બધા સુરક્ષિત

હોર્મુઝમાં 48 કલાકમાં બીજો હુમલો: ભારતીય નાવિકોવાળા ટેન્કર પર પ્રોજેક્ટાઈલથી હુમલો, બધા સુરક્ષિત

ફારસની ખાડીમાં હોર્મુઝ જળમાર્ગમાં જહાજો પર હુમલાનો સિલસિલો ચાલુ છે. બુધવારે 18 નવેમ્બરે ભારતીય નાવિકોને લઈ જઈ રહેલા લાઈબેરિયાના ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર 'MT NAVIG8 MESSI' પર હુમલો થયો હતો. જહાજ હોર્મુઝ સ્ટ્રેટ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેના પર પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો.

કેન્દ્રીય શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપતાં જણાવ્યું કે જહાજ પર કુલ 3 ભારતીય નાવિકો સવાર હતા. ત્રણેય ભારતીયો સહિત તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તકેદારીના ભાગરૂપે એક ભારતીય અધિકારીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ કોઈને ગંભીર ઈજા નથી.

સોનોવાલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ભારત સરકાર પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહી છે. નાવિકોની સુરક્ષા અને તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ જહાજનું સંચાલન કરતી કંપનીના સંપર્કમાં છે. હુમલો કોણે કર્યો અને જહાજને કેટલું નુકસાન થયું તેની વિગતો હજુ બહાર આવી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 16 નવેમ્બરે પનામાના ધ્વજવાળા LPG ટેન્કર 'TARA GAS' ને પણ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતી વખતે નિશાન બનાવવામાં આવ્યું હતું, જેની જાણકારી 17 નવેમ્બરે સામે આવી હતી. તે જહાજના 25 સભ્યોના ક્રૂમાં 24 ભારતીયો હતા, જે તમામ સુરક્ષિત રહ્યા હતા. 48 કલાકમાં બનેલી આ બીજી ઘટનાએ દરિયાઈ માર્ગે મુસાફરી કરતા ભારતીયોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વ્યાપારી માર્ગોમાંનો એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો પસાર થાય છે. ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો માટે આ જળમાર્ગ પર મોટો આધાર રાખે છે. તેથી આ વિસ્તારમાં જહાજો પર થઈ રહેલા સતત હુમલા ભારતના ઊર્જા હિતો અને દરિયાઈ વેપાર માટે ચિંતાનો વિષય બન્યા છે.